Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ઘડિયાળની કિંમત ૧.પ કરોડ : મે પોતે બધા સામાનની જાણકારી કસ્ટમ અધિકારીઓને આપી : ડયુટી ભરવા પણ તૈયાર : હાર્દિક પંડયા

એરપોર્ટ પર કરોડોની ઘડિયાળો જપ્ત થવાની ખબર વાયરલ થતા ટિમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડનું ટ્વિટ

નવી દિલ્હી,તા.૧૬: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત પાછા ફરતી વખતે કસ્ટમની આંટીઘૂંટીમાં ફસાયો હતો. કસ્ટમ અધિકારીઓએ ક્રિકેટર હાર્દિક પંડ્યા પાસેથી બે ઘડિયાળો જપ્ત કરી છે. આ ઘડિયાળો સ્વિસ કંપની Patek Philippe ની છે. પંડ્યા દુબઈમાં ટી૨૦ વર્લ્ડ કપ રમીને દુબઈથી મુંબઈ પાછો ફર્યો હતો. કહેવાય છે કે ઘડિયાળોના સીરિયલ નંબર અને બિલમાં તાલમેળ ન હોવાના કારણે કસ્ટમ અધિકારીઓએ તેની ઘડિયાળોને જપ્ત કરી છે. આરોપો પર હાર્દિક પંડ્યાએ પોતાની ચૂપ્પી તોડી છે અને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.

આ સમગ્ર મામલે હોબાળો મચ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટ કરીને તેણે મામલાની સચ્ચાઈ જણાવી છે. દુબઈથી પાછા ફરેલા હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે લકઝૂરિયસ ઘડિયાળ જપ્ત કરી હતી.

હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ૧૫ નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ હું પોતે દુબઈથી જે સામાન ખરીદ્યો હતો, તેની કસ્ટમ ડ્યૂટી ચૂકવવા માટે એરપોર્ટ પર હાજર કસ્ટર કાઉન્ટર પર ગયો હતો. મારા વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. મે પોતે બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે.

પંડ્યાએ આગળ કહ્યું કે કસ્ટમ ડિપાર્ટમેન્ટે મારી પાસે તમામ દસ્તાવેજો માંગ્યા છે. તે હાલ યોગ્ય ડ્યૂટીના મૂલ્યાંકનમાં લાગ્યા છે. હું પૂરી ડ્યૂટી ભરવા માટે તૈયાર છું અને સોશિયલ મીડિયા પર ઘડિયાળની કિંમત ૫ કરોડ જણાવવામાં આવી રહી છે તે ખોટી છે. ઘડિયાળ ૧.૫ કરોડ રૂપિયાની છે.

જો કે કસ્ટમ વિભાગના જણાવ્યાં મુજબ પંડ્યા પાસેથી મળેલી ઘડિયાળોની કિંમત ૫ કરોડ રૂપિયા છે. હવે આ ઘડિયાળો પાછી મેળવવા માટે પંડ્યાએ સીરિયલ નંબર સાથે મેચ થાય તેવું બિલ આપવું પડશે. આ ઘડિયાળો પર ૩૮ ટકા ડ્યૂટી લાગે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જો પંડ્યા બિલ આપવામાં નિષ્ફળ જશે તો આ ઘડિયાળો જપ્ત કરી લેવાશે.

(2:29 pm IST)