Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

નવા કોચ, નવા કેપ્ટન, નવી રણનીતી સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં

કાલે ઘરઆંગણે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલોઃ સાંજે ૭ વાગ્યાથી સ્ટાર સ્પોટર્સ અને દુરદર્શનમાં લાઇવ : યુવા ખેલાડીઓને તક મળશેઃ અશ્વિન ઐય્યર, ચહલનું સ્થાન લગભગ નકકીઃ રાહુલ અને વેંકટેશ ઐય્યર ઓપનીંગ કરશે, રોહીત વનડાઉન અને શ્રેયસ ઐય્યર ચોથા અને ઋતુરાજ ગાયકવાડ પાંચમાં સ્થાને બેટીંગમાં આવશેઃ પંતની જગ્યાએ ઇશાન કીશનને સ્થાન મળશે

મુંબઈઃ આઇસીસી ટી૨૦ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને મળેલી કારમી હાર બાદ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે,  ૧૭ નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થઇ રહેલી ત્રણ મેચની વ્૨૦ સીરીઝ અને બે મેચોની ટેસ્ટ સીરીઝમાં આ ફેરફાર જોવા મળશે. બીસીસીઆઇએ ઘણા નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જ્યારે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શનના કારણે કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમના હેડ કોચ નિમાયેલા રાહુલ દ્રવિડની આ પહેલી સીરિઝ છે ત્યારે દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 'ગુજરાતવાળી' કરશે એવો સંકેત બોર્ડનાં સૂત્રોએ આપ્યો છે. આ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા છે જ્યારે  કે.એલ. રાહુલ ટીમનો વાઇસ કેપ્ટન છે. દ્રવિડ રોહિત શર્મા અને રાહુલને બાદ કરતાં બાકીના તમામ નવા ખેલાડીને રમાડવા માગે છે. વર્લ્ડ કપમાં રમનારા કેટલાક અપવાદને બાદ કરતાં બાકીના નવા ખેલાડી હશે. ટીમના ૧૧ ખેલાડીમાંથી ૭ નવા ચહેરા હશે એવો દાવો કરાઈ રહ્યો છે.

 ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરિઝમાં રાહુલ સાથે વેંકટેશ ઐયર ઓપનિંગ કરી શકે છે. રોહિત શર્મા વનડાઉન અને  શ્રેયસ ઐયર ચોથા નંબરે આવશે. રૂતુરાજ ગાયકવાડ પાંચમા નંબરે આવશે જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંત નહીં પણ ઈશાન કિશન હશે. ઈશાન કિશન છઠ્ઠા નંબરે આવશે.  સાતમા નંબરે અક્ષર પટેલ અને આઠમા નંબરે નંબરે  આર અશ્વિન હશે. અવેશ ખાન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ એ ત્રણ ફાસ્ટરને રાહુલ રમાડવા માગે છે કે જેથી ભવિષ્ય માટે તેમને તૈયાર કરી શકાયદ્રવિડ વેંકટેશ અય્યર અને હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે તક આપવા મકકમ છે.  આ બંને ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે ૧૦ મેચમાં ૩૭૦ રન બનાવ્યા અને ૩ વિકેટ લીધી. તેણે ઘણી મેચોમાં ટીમને જીત અપાવી હતી. બીજી તરફ હર્ષલ પટેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા ૧૫ મેચમાં ૩૨ વિકેટ ઝડપી હતી. તે IPL ૨૦૨૧માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

 ટીમ ઇન્ડિયા : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ. (૪૦.૧૨)

 

આગામી વર્ષે ઓસ્ટ્રેલીયામાં રમાશે ટી-૨૦ વર્લ્ડકપઃ ૧૬ ઓકટોબરથી શરૃઃ ૧૩ નવેમ્બરે ફાઇનલ

ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, પાકિસ્તાન, અફઘાનીસ્તાન, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમે કવાલીફાય કરી લીધુ છે, જયારે શ્રીલંકા, વિન્ડીઝ, નામીબીયા, સ્કોટલેન્ડ સહિત અન્ય ટીમોને કવાલીફાય રાઉન્ડ મેચો રમવા પડશે  ફાઈનલ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી મળેલી માહિતી અનુસાર, 'આવતા વર્ષે ૧૬ ઓકટોબરથી ૧૩ નવેમ્બરની વચ્ચે યોજાનારી ટૂર્નામેન્ટમાં ૪૫ મેચો રમાશે.  આ મેચો એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડની દ્વારા યોજવામાં આવશે.  બંને સેમિફાઇનલની મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે.  પ્રથમ સેમિફાઇનલ ૯ નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ ૧૦ નવેમ્બરે ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે.  જે દેશોની ટીમો સીધી સુપર ૧૨ માટે કવોલિફાય થઈ છે તેમાં ડિફેન્ડિંગ ટી૨૦ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને રનર્સ અપ ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.  આ બે દેશો સિવાય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ સુપર ૧૨માં સીધી જગ્યા બનાવી લીધી છે. (૪૦.૧૨)

ન્યુઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ 

 . ટી૨૦ સીરીઝ-

પ્રથમ ટી૨૦, ૧૭ નવેમ્બર, જયપુર, બીજી ટી૨૦, ૧૯ નવેમ્બર, રાંચી, ત્રીજી ટી૨૦, ૨૧ નવેમ્બર, કોલકાતા

 . ટેસ્ટ સીરીઝ-

પ્રથમ ટેસ્ટ, ૨૫-૨૯ નવેમ્બર, કાનપુર બીજી ટેસ્ટ, ૩-૭ ડિસેમ્બર, મુંબઈ

(3:10 pm IST)