Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

જીવનની સૌથી મુશ્કેલ ઘડી છે : હાર્દિક પંડ્યાની પોસ્ટ

પિતાના નિધન બાદ હાર્દિક પંડ્યાએ દુઃખ ઠાલવ્યું : વિરાટ કોહલી, સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ વગેરેએ હાર્દિક-કૃણાલના પિતાનું નિધન થતાં શોક વ્યક્ત કર્યો હતો

વડોદરા, તા. ૧૭ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું શનિવારે સવારે નિધન થયું હતું. શનિવારે વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતાં ૭૧ વર્ષીય હિમાંશુભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. હિમાંશુભાઈનું અવસાન થયું ત્યારે હાર્દિક અને કૃણાલ બંને વડોદરાની બહાર હતા. પિતાના નિધનના સમાચાર મળતાં જ બંને વડોદરા દોડી આવ્યા હતા. તેમના આવ્યા બાદ બ્રાહ્મણ સંસ્કારો પ્રમાણે હિમાંશુભાઈના અંતિમ સંસ્કાર થયા હતા. પિતાના અવસાનના એક દિવસ બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકી છે.

હાર્દિક પંડ્યાએ પિતા સાથેની વિવિધ તસવીરો શેર કરતાં લખ્યું, *મારા ડેડી અને મારા હીરો. તમને ગુમાવવા એ જીવનમાં સ્વીકારવી પડે તેવી સૌથી મુશ્કેલ બાબત છે. પરંતુ તમે અમને ખૂબ સારી યાદો આપીને ગયા છો અને તેમાં અમે તમને માત્ર સ્મિત કરતાં જ કલ્પી શકીએ છીએ! આજે તમારા દીકરાઓ જ્યાં પણ ઊભા છે તેનું એકમાત્ર કારણ તમે, તમારી મહેનત, તમારો આત્મવિશ્વાસ છે અને આ બધાથી તમે હંમેશા ખુશ હતા. તમારા વિના આ ઘરમાં મનોરંજનની કમી રહેશે! અમે તમને પ્રેમ કરીએ છીએ અને હંમેશા કરતાં રહીશું. તમારું નામ હંમેશા ઉપર રહેશે. મને ખબર છે કે તમે જે રીતે અહીં અમારું ધ્યાન રાખતા હતા તેમ ઉપરથી પણ રાખશો. તમને અમારા પર ગર્વ હતો પરંતુ અમે સૌ તમે જે રીતે જીવન જીવ્યા તેના પર ગર્વ અનુભવીએ છીએ! ગઈકાલે જેમ મેં તમને કહ્યું હતું તેમ છેલ્લી રાઈડ. હવે આરામ કરો મારા કિંગ. હું તમને મારા જીવનના દરેકે દરેક દિવસે યાદ કરીશ???? લવ યુ ડેડી!*

હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર સુરેશ રૈના અને યુઝવેન્દ્ર ચહેલ કોમેન્ટ કરીને સાંત્વના પાઠવી છે. વિરાટ કોહલી, સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ સહિતના ક્રિકેટ જગતના સેલિબ્રિટીઝે હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાના નિધન પર શનિવારે શોક વ્યક્ત કર્યો હતો. શનિવારે બરોડા ક્રિકેટ અસોસિએશનના સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, હિમાંશુભાઈની તબિયત છેલ્લા થોડા સમયથી નરમ રહેતી હતી. શનિવારે સવારે ૪ વાગ્યે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે, ત્યાં પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું દેહાવસાન થયું હતું.

હાર્દિક અને કૃણાલ પંડ્યાની કારકીર્દિ ઘડવામાં હિમાંશુભાઈનો સિંહ ફાળો છે. હિમાંશુ પંડ્યા એક લોન કન્સલ્ટન્ટ હતા. વર્ષો પહેલા સુરતથી વડોદરા સ્થાયી થયા હતા જેથી બંને દીકરાઓને ક્રિકેટની ટ્રેનિંગ અપાવી શકે. આર્થિક સંકડામણ હોવા છતાં તેમણે બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા ખૂબ મહેનત કરી હતી. કિરણ મોરેની ક્રિકેટ એકેડેમીમાં હાર્દિક-કૃણાલને એડમિશન અપાવ્યું હતું. અંતે તેમના પિતાની મહેનત રંગ લાવી હતી અને હાર્દિક તથા કૃણાલની આઈપીએલમાં પસંદગી થઈ હતી અને ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું હતું. ત્યારબાદ બંનેએ ખાસ કરીને હાર્દિકે પાછળ વળીને જોયું નથી. હાલમાં તે ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી બની ગયો છે.

(9:46 pm IST)