Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દ્રવિડ ઉપર મોટી જવાબદારી આવી પડીઃ મિડલ ઓર્ડર મજબૂત બનાવવાની સાથે નવી યોજના હાથ ધરવી પડશે

શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનાર ટેસ્ટ સિરીઝ અગાઉ નવા કેપ્ટનની જાહેરાત થઈ જશે

નવીદિલ્હીઃ થોડાં વર્ષો પહેલાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ હેડ- કોચ અનિલ કુંબલે સાથેના વિરાટ કોહલીના અણબનાવ બાદ  રવિ શાસ્ત્રીને કોચિંગની જવાબદારી સોંપાઈ હતી અને તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપના રકાસ બાદ શાસ્ત્રીને હટાવીને રાહુલ દ્રવિડને હેડ- કોચ બનાવવામાં આવ્યા. દ્રવિડે માંડ સૂત્રો હજી સંભાળ્યાં ત્યાં ટી૨૦નું સુકાન છોડનાર કોહલી પાસેથી વન-ડેની કેપ્ટન્સી પણ આચંકી લેવાતાં એને પગલે કોહલીના બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી સાથેના સંબંધો તંગ થઈ ગયા અને હવે કોહલીએ અચાનક ટેસ્ટની કેપ્ટન્સ છોડી દીધી. દ્રવિડે ચેતેશ્વર પુજારા અને અજિંકય રહાણેની ટેસ્ટની નિષ્ફળતા બદલ માંડ કોઈ પ્લાન વિચારવાનું શરૂ કર્યું હશે ત્યાં હવે તેમના પર નવા ટેસ્ટ- કેપ્ટન સાથે સંબંધો મજબૂત બનાવવાનું નવું કામ આવી પડશે.

ભારતની આગામી ટેસ્ટ- સિરીઝ ઘરઆંગણે શ્રીલંકા સામે રમાશે ત્યાં સુધીમાં નવો ટેસ્ટ કેપ્ટન નિયુકત થઈ ગયો હશે, પણ એ પહેલાં દ્રવિડે બેટિંગનો મિડલ- ઓર્ડર મજબૂત કરવા માટેની નકકર યોજના વિચારવી પડશે.

એકંદરે ટીમ ઈન્ડિયાને નવેસરથી ઘડવાની પ્રચંડ જવાબદારી દ્રવિડ પર છે. જો કે બેન્ગલોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં અનેક યુવાન ક્રિકેટરોને તૈયાર કરીને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડનાર દ્રવિડ એ જવાબદારી સહજતાથી પાર પાડશે. એવી આશા ભારતીય ક્રિકેટરો રાખી શકે.

(2:31 pm IST)