Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ન્યૂઝિલેન્ડે પાકિસ્તાન સામે ક્રિકેટ શ્રેણી પડતી મૂકી

આંતકવાદને પોષતાં પાકિસ્તાનને જોરદાર લપડાક : બન્ને ટીમો વચ્ચે શુક્રવારથી રાવલપિંડીમાં પ્રથમ વન-ડે રમાવાની હતી જે સુરક્ષાના કારણોસર પડતી મૂકાઈ

રાવલપિંડી, તા.૧૭ : ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે પરંતુ બંને દેશો વચ્ચે રમાનારી સીરિઝ સુરક્ષાના કારણોસર રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચે આજે પ્રથમ વન-ડે રમાવાની હતી પરંતુ સુરક્ષાના કારણોને લઈને મેચ જ નહીં પરંતુ સીરિઝ પડતી મૂકવામાં આવી છે. જોકે, પાકિસ્તાને સુરક્ષામાં કોઈ ચૂક ન હોવાની ખાતરી આપી છે.

શુક્રવારે રાવલપિંડીમાં પ્રથમ વન-ડે રમાવાની હતી પરંતુ તે નિર્ધારીત સમય પ્રમાણે શરૂ થઈ શકી ન હતી. બંને ટીમો તેમની હોટલના રૂમમાં જ રહી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઈટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને જે સલાહ આપવામાં આવી છે તે પ્રમાણે આ સીરિઝ રમાઈ શકે તેમ નથી. તેમણે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, હું સમજી શકું છું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આ મોટો ફટકો છે જેમણે યજમાનીની શાનદાર તૈયારીઓ કરી છે પરંતુ ખેલાડીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે અને અમે માનીએ છીએ કે અમારા માટે આ જ એકમાત્ર વિકલ્પ હતો.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિયેશનના મુખ્ય કાર્યકારી હીથ મિલ્સે પણ જણાવ્યું હતું કે, ખેલાડીઓ સુરક્ષિત હાથોમાં છે અને પ્રત્યેક વ્યક્તિ તેમના શ્રેષ્ઠ હિતમાં કામ કરી રહી છે. જોકે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સુરક્ષા સામે ખતરા કે પછી ખેલાડીઓને પરત બોલાવવાની વ્યવસ્થા અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી.

બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે પીસીબી અને પાકિસ્તાની સરકાર પ્રત્યેક પ્રવાસી ટીમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરે છે. અમે ન્યૂઝીલેન્ડને પણ તેની ખાતરી આપીએ છીએ. પાકિસ્તાની વડાપ્રધાને વ્યક્તિગત રીતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી અને તેમને જણાવ્યું હતું અમારી પાસે શ્રેષ્ઠ ગુપ્તચર વ્યવસ્થા છે અને પ્રવાસી ટીમની સુરક્ષા સામે કોઈ ખતરો નથી.

પીસીબી સીરિઝ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે રમાડવા તૈયાર છે. જોકે, અંતિમ સમયે સીરિઝ રદ થતાં પાકિસ્તાન અને વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થશે, તેમ પીસીબી એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે અને પાંચ ટી૨૦ મેચની સીરિઝ રમાવાની હતી.

(9:08 pm IST)