Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કતારમાં મહિલા ફુટબોલ ફેન્‍સ ટૂંકાં કપડા પહેરશે તો જેલભેગી કરાશે

પુરૂષો પોતાના શર્ટ કાઢશે તો તેની સામે પણ પગલા લેવામાં આવશે

નવી દિલ્‍હીઃ આરબ દેશ કતારમાં સામાન્‍ય રીતે અનેક પ્રકારના નિયંત્રણો હોય છે જેને ફુટબોલ વિશ્વકપ માણવા જનારી મહિલા સોકરપ્રેમીઓએ ખાસ ધ્‍યાનમાં રાખવા પડશે. ૩૨ દેશની ટીમ આ મેન્‍સ વર્લ્‍ડ કપમાં રમવાની છે એટલે એ દેશમાંથી તો ઠીક, ભારત સહિત અન્‍ય અનેક રાષ્‍ટ્રોમાંથી મોટી સંખ્‍યામાં લોકો કતાર પહોંચી રહયા છે.

જોકે યુકે, યુએસએ અને અન્‍ય પમિી દેશોમાંથી આવી રહેલી મહિલા ફુટબોલચાહકો માટે એક બેડ ન્‍યૂઝ છે. આ મહિલાઓ કતારમાં કોઇ પણ જાહેર સ્‍થળે ટૂકા અને ઉઘાડા ડ્રેસ પહેરશે તો તેમની સામે કાનૂની પગલા લેવામા આવશે અને જેલમાં મોકલવામાં આવશે. આ મહિલાઓએ કતારના કડક કાયદાઓને ધ્‍યાનમાં રાખવા પડશે

ફિફાએ પોતાની વેબસાઇટ પર જણાવ્‍યુ છે કે કતારમાં ફેન્‍સ પોતાની પસંદગીના કપડા પહેરી શકશે, પરંતુ તેમણે કતારના કાયદાઓનું માન જાળવવું પડશે અને પોતાના શરીરનાં અંગો ઢંકાઇ રહે અને કોઇ પણ રીતે બીભત્‍સ ન લાગે એવા જ કપડા પહેરવા પડશે.

ઇંગ્‍લેન્‍ડના એક જાણીતા દૈનિકમાં જણાવાયુ હતુ કે કતારમાં મહિલાઓ બહુ ચુસ્‍ત કપડા નહી પહેરી શકે. બીજુ, અસહય ગરમીને કારણે  કોઇ સ્‍ટેન્‍ડમાં જો કોઇ પુરુષ પોતાનું શર્ટ કાઢશે તો તરત જ તે કેમેરામાં ઝડપાઇ જશે અને તેની સામે પગલા ભરવામાં આવશે

(4:01 pm IST)