Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

અન્‍ડર- ૧૯ વૂમન્‍સ ટી-૨૦ વર્લ્‍ડકપમાં ટીમ ઈન્‍ડિયાનો દબદબોઃ સ્‍કોટલેન્‍ડને પછાડયું: સુપર સિકસમાં એન્‍ટ્રી

ભારત ૧૪૯/૪, સ્‍કોટલેન્‍ડ ૬૬/૧૦: ટૂર્નામેન્‍ટમાં સતત ત્રીજી જીત

નવી દિલ્‍હીઃ અન્‍ડર-૧૯ મહિલા ટી-૨૦ વર્લ્‍ડ કપમાં ભારતે સ્‍કોટલેન્‍ડને ૮૩ રને હરાવી જીત મેળવી છે. સુકાની શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા  ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. ઓપનર ગોંગાડી તૃષાએ અડધી સદી નોંધાવી હતી. અંતમાં શ્વેતા શેરાવતે તોફાની ઈનિંગ રમી હતી. આ સાથે ટૂર્નામેન્‍ટમાં સળંગ ત્રીજી મેચ જીતી લીધી છે. શેફાલીની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્‍ડિયા હવે સુપર સિકસમાં પહોંચી ચુકી છે.

ભારતીય યુવા મહિલા ટીમની શરુઆત સારી રહી નહોતી. સુકાની શેફાલી વર્મા અને સોનિયા મેંધિયાની વિકેટ ભારતે ઝડપથી ગુમાવી દીધી હતી. શેફાલી માત્ર ૧ જ રન ૩ બોલનો સામનો કરી નોંધાવી શકી હતી. તેણે માત્ર ૨ રનના ટીમ સ્‍કોર પર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને આ ઝટકો ઈનીંગની બીજી ઓવરના બીજા બોલે લાગ્‍યો હતો. ત્‍યાર બાદ સોનિયાએ છઠ્ઠી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે ૧૧ બોલનો સામનો કરીને માત્ર ૬ રન નોંધાવ્‍યા હતા.રિચા ઘોષ સાથે મળીને ગોંગાડી તળષાએ પાર્ટનરશિપ કરી હતી. બંને એ ભારતીય સ્‍કોર બોર્ડને આગળ વધારવા માટે મહત્‍વની ઈનીંગ રમી હતી. ૩૪ રનના સ્‍કોર પર બીજી વિકેટ ગુમાવ્‍યા બાદ બંનેએ મક્કમતા પૂર્વક ચોથી વિકેટ માટે મહત્‍વની ભાગીદારી રમત રમી હતી. રિચા ૧૦૪ રનના ટીમ સ્‍કોર પર પેવેલિયન પરત ફરી હતી. તેણે ૩૫ બોલનો સામનો કરીને ૩૩ રનનુ યોગદાન આપ્‍યુ હતુ. ડેથ ઓવરમાં શ્વેતાએ સારી રમત દર્શાવી હતી. જોકે આ પહેલા જ રિચાના બાદ તુરતજ ટીમ સ્‍કોરમાં એક જ રન ઉમેરાતા જ સેટ ઓપનીંગ બેટર તળષાએ વિકેટ ગુમાવી હતી. તેણે ૫૧ બોલમાં ૫૩ રનની અર્ધશતકીય ઈનીંગ રમી હતી.

ડેથ ઓવરોમાં મોરચો શ્વેતા અને વિકેટકીપર બેટર રિષીતા બાસુએ સંભાળ્‍યો હતો. બંનેએ ૧૦૫ રન ૪ વિકેટનો સ્‍કોર ૧૪૯ પર પહોંચાડ્‍યો હતો. જેમાં શ્વેતાની તોફાની રમત જોવા મળી હતી. શ્વેતાએ ૨ છગ્‍ગા અને ૪ ચોગ્‍ગા વડે ૧૦ બોલમાં ૩૧ રન ફટકાર્યા હતા. આમ ભારતે ૪ વિકેટે ૧૪૯ રનનો સ્‍કોર ખડકયો હતો.

જવાબમાં સ્‍કોટલેન્‍ડની ટીમ ૬૬ રનમાં ઓલઆઉટ થયું હતું. આઠ બેટરો ડબલ ફીગરે પણ પહોંચી શકયા ન હતા. મન્‍નત કશ્‍યપ ૪, અર્ચના દેવી ૩, સોનમે ૧ વિકેટ લીધી હતી. ત્રણ ખેલાડી ૫ રનના વ્‍યક્‍તિગત સ્‍કોર પર વિકેટ ગુમાવી હતી. જ્‍યારે ત્રણ બેટર શૂન્‍યમાં પરત ફર્યા હતા.મન્નત કશ્‍યપે ભારત તરફથી શાનદાર બોલિંગ કરી હતી. તેણે ૪ ઓવરના સ્‍પેલમાં માત્ર ૧૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જ્‍યારે અર્ચના દેવીએ ૪ ઓવરના સ્‍પેલમાં ૧૪ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. સોનમ યાદવે ૧ ઓવર અને ૧ બોલની ડિલિવરી કરીને ૨ વિકેટ ઝડપી હતી.

(11:08 am IST)