Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં રમાડવો કે નહિ ?: ૨૯મીએ બીસીસીઆઇની બેઠકમાં ફેંસલો

મહિલા ક્રિકેટ અંગે પણ ચર્ચા થશેઃ આઇસીસી સાથે ભારતીય બોર્ડની બેઠક ૧લી જુને મળશે

નવીદલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આ વર્ષે ભારતમાં રમાનારા આઈસીસી ટી-૨૦ વિશ્ચકપની મેજબાનીને લઈને કટિબદ્ધ છે. બોર્ડ ઉપર પાછલા મહિને શરૂ થયેલી આઈપીએલની ૧૪મી સીઝન અધવચ્ચે સ્થગિત થઈ ગયા બાદ ટી-૨૦ વર્લ્ડકપના આયોજનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે આ વખતનો આઈપીએલ રમાડવામાં આવી રહ્યો હતો પરંતુ તેના બાયો-બબલમાં ખેલાડીઓ સંક્રમિત મળી આવતાં તેને રોકી દેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ બીસીસીઆઈની ૨૯ મેએ વાર્ષિક સામાન્ય બેઠક મળવા જઈ રહી છે જેમાં વર્લ્ડકપને લઈને ચર્ચા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) સાથે ભારતીય બોર્ડની બેઠક ૧લી જૂને મળશે. આઈસીસી સાથે થનારી બેઠક પહેલાં બીસીસીઆઈ ભારતમાં આ વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડકપને લઈને ૨૯ મેએ વિશેષ સામાન્ય સભા (એસજીએમ)ની એક બેઠક કરશે.

 બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ૧લી જૂને આઈસીસી સાથે બેઠક મળવાની છે તેના પહેલાં અમે અમારી બેઠકમાં એ વાત ઉપર ખાસ ચર્ચા કરશું કે કોરોના મહામારી વચ્ચે આગામી ટી-૨૦ વિશ્ચકપના આયોજનની તૈયારી કેવી રીતે કરવાની છે. આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારા આ વર્લ્ડકપ માટે બીસીસીઆઈએ નવ સ્થળોની પસંદગી કરી છે જેમાં અમદાવાદ, મુંબઈ, કોલકત્તા, નવીદિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, ધર્મશાલા અને લખનૌ સામે છે. આ અંગે રાજ્ય ક્રિકેટ એસો.ને પહેલાંથી જ જાણ કરી દેવાઈ હતી કે તેઓ તૈયારી શરૂ કરી દે. આ બેઠકમાં ટી-૨૦ વર્લ્ડકપ ઉપરાંત મહિલા ક્રિકેટ અંગે પણ ચર્ચા થશે.

(3:23 pm IST)