Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

આ ૧૬૨ રૂમો અને વૈભવી સ્યુટ્સવાળી હોટલમાં રોકાઈ છે ટીમ ઈન્ડિયાઃ એક દિવસનું ભાડું ૩૦ થી ૮૦ હજાર

ઈન્ફિનિટી પુલ, વોટર સ્પોર્ટસ, સિગ્નેચર બીચફ્રન્ટ રેસ્ટોરાં, વીઆઈપી કબાના, આઉટડોર એન્ટરટેઈન્મેન્ટ ફીલ્ડ સહિતની સુવિધાઓ

દુબઇ, તા.૨૦: ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નું આયોજન યુએઈ અને ઓમાનમાં થઇ રહ્યું છે. ૧૭ ઓકટોબરથી શરૂ થતી આ ટુર્નામેન્ટ ૧૬ નવેમ્બર સુધી ચાલશે. આ દરમ્યાન ખેલાડીઓ યુએઈ અને ઓમાનની આલીશાન હોટલોમાં રોકાયેલા છે.

ભારતીય ટીમ ૨૪ ઓકટોબરે પાકિસ્તાન સામે પોતાની ટી-૨૦ શ્રેણીની શરૂઆત કરશે. ભારતીય ટીમ દુબઈની ધ ૮ પામ હોટલમાં રોકાયેલી છે. આ હોટલ પોતાનો લકઝરી સ્ટે, આકર્ષક વ્યૂ અને સારી સુખ સુવિધાઓના કારણે પણ ઓળખાય છે. આવો આજે અમે તમને આ હોટલની ખાસિયતો અંગે જણાવીશું. જેમાં ભારતીય ખેલાડીઓથી લઇને આખો સ્ટાફ રોકાયેલો છે.

ટી-૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ યુએઈની Th8 Palm હોટલમાં રોકાયેલી છે. આ હોટલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ રોકાઈ હતી. આ હોટલ દુબઈના વેસ્ટ પામ, ક્રિસેન્ટ રોડ જુમેરાહમાં આવેલી છે. આ આલીશાન હોટલ દુબઈની સારી પ્રોપર્ટીમાંથી એક છે. આ હોટલમાંથી ઉભા રહીને પામ જુમેરાહ અને દુબઈના શાનદાર વ્યૂની મજા માણી શકાય છે.

આ હોટલમાં ૧૬૨ રૂમો અને વૈભવી સ્યુટ્સ છે. આ ઉપરાંત ઈન્ફિનિટી પુલ, વોટર સ્પોર્ટસ, સિગ્નેચર બીચફ્રન્ટ રેસ્ટોરાં, વીઆઈપી કબાના, આઉટડોર એન્ટરટેઈન્મેન્ટ ફીલ્ડ અને ઘણી સારી સુવિધાઓ છે. હોટલના દરેક રૂમ ખૂબ જ લકઝુરિયસ છે અને બહારના સારા વ્યૂને જોવા માટે કાચની પેનલ લગાવવામાં આવી છે. આ હોટલમાં દરરોજ રોકાવાનું ભાડું મિનિમમ ૩૦ હજાર રૂપિયા છે અને સિઝનમાં આ ભાડું ૫૦ થી ૮૦ હજાર સુધી હોય છે.

The Palmમાં ઘણી રેસ્ટોરન્ટ છે, જ્યાં દરેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. અહીં ઈન્ડિયનથી લઇ વેસ્ટર્ન, કોન્ટિનેન્ટલ, અફઘાની ફૂડ અને અન્ય પ્રકારની સ્વાદીષ્ટ વાનગીઓ મળે છે. તાજેતરમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ આ હોટલની બાલકનીમાંથી એક તસ્વીર શેર કરી હતી. જેમાં વિરાટ કવોરોન્ટાઈન વખતે ક્યારેક અનુષ્કાને બાલ્કનીમાંથી તો ક્યારેક ગાર્ડનમાં મળવા આવતો હતો.

ખેલાડીઓ માટે અહીં ઘણાં પ્રકારના મશીનોની સાથે અમુક જીમ એરિયા આપવામાં આવ્યાં છે. ભારતીય ટીમના ખેલાડી ઉતારા દરમ્યાન પોતાને સ્વસ્થ રાખવા માટે તેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, કવોરોન્ટાઈન દરમ્યાન ખેલાડીઓને રૂમની અંદર જીમની મશીનો આપવામાં આવી હતી.

(3:37 pm IST)