Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

નેશનલ હેમર થ્રો ચેમ્પિયન અનિતા ડોપિંગમાં દોષિત : સસ્પેન્ડ કરી દેવાઇ

દુબઇઃ ફેડરેશન કપ સિનિયર એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં નેશનલ ચેમ્પિયન અને ગોલ્ડ મેડલ વિજેતા હેમર થ્રો ખેલાડી અનીતા ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)એ તેને સસ્પેન્ડ કરી દીધી છે અનીતાના સેમ્પલમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. દિલ્હીની અનીતાનો સસ્પેન્શન તબક્કો ૨૨મી ઓકટોબરથી શરૂ થઇ ગયો છે.

ગયા વર્ષે માર્ચ મહિનામાં એનઆઇએસ પટિયાળા ખાતે યોજાયેલી ૨૩મી ફેડરેશન કપ મીટ દરમિયાન તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ૧૯ મહિના બાદ તેનો રિપોર્ટ આવ્યો હતો. પટિયાળા ખાતે અનીતાએ ૫૯.૪૩ મીટરના થ્રો સાથે હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હેમર થ્રોની ખેલાડી અનીતાએ બે અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેણે પટિયાળામાં ઇન્ડિયન ગ્રાં પ્રિ અને પંચકુલામાં ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અનીતાના તપાસની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેનો રિપોર્ટ છેક ૧૯ મહિના બાદ આવ્યો છે.

(2:46 pm IST)