Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રોનાલ્ડોએ બે બોટલ હટાવતા કોકાકોલાને લાગ્યો મહાફટકોઃ કંપનીને થયું ૨૯૩ કરોડનું નુકસાન

પ્રેસ કોન્ફરન્સ પહેલા કોકાકોલાની બોટલ જોઈ રોનાલ્ડોએ કહ્યું આપણે કોલ્ડ્રીંક નહી પાણી પીવાની આદત પાડવી જોઈએઃ શેરના ભાવ ગગડયા

નવીદિલ્હીઃ બેબાક અંદાજ અને આક્રમક અંદાજથી દુનિયાભરમાં મશહુર પોર્ટુગલનો સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક વાર ફરી ચર્ચામાં છે. ખેલાડીને ગુસ્સો આવતા કોકાકોલા કંપનીને ૨૯૩ અબજ રૂપિયાનું નુકસાન થયુ છે. આ ઘટના પોર્ટુગલ ટીમની યુરો ૨૦૨૦ની હંગેરી સામેની મેચ પહેલા બની હતી. સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ટેબલ પર પડેલી બે બોટલ હટાવતા તેને બનાવતી કંપની કોકાકોલાને કરોડોનો ફટકો પડ્યો છે.

કોકાકોલાની બોટલ જોઈને ચોંકી વીફર્યો ખેલાડી

યુરો કપનો ચેમ્પિયન પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંક જોઈને વીફર્યો હતો. તેની સામે કોકાકોલાની બોટલો જોઇને તેણે નારાજગી વ્યકત કરી. રોનાલ્ડો ગુસ્સે થયો અને બૂમ પાડી, ''કોલ્ડ ડ્રિંક (કોકાકોલા) નહીં, આપણે પાણી પીવાની આદત પાડવી જોઈએ.'' હકીકતમાં, ૩૬ વર્ષીય રોનાલ્ડો ફિટ રહેવા કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રીંકથી દૂર રહે છે.

ડાયટને લઇને ખુબ નિયમિત

કોકાકોલા ૧૧ દેશોમાં રમાયેલી UEFA યુરો ૨૦૨૦ નો સત્તાવાર પ્રાયોજક છે. કોકાકોલા તેની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ કોન્ફરન્સમાં કોકની બોટલો ડિસ્પ્લે પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હંગેરી સામેની મેચ પહેલા રોનાલ્ડો અને પોર્ટુગલ કોચ ફર્નાન્ડો સાન્તોસ જ્યારે પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યા ત્યારે કોકાકોલાની ૨ બોટલો ટેબલ પર પહેલેથી પડી હતી. શિસ્તબદ્ધ ડાયટ માટે પ્રખ્યાત રોનાલ્ડો કોકાકોલાની બોટલ જોઈને ગુસ્સે થયો અને તરત જ તેને દૂર કરી દીધી હતી.

કોકાકોલાના શેર ધડામ પછડાયા

રોનાલ્ડોના આ પગલાથી કોકાકોલાના શેરની કિંમતમાં ઘટાડો થયો હતો. સોમવારે યૂરોપમાં ૩ વાગ્યે માર્કેટ ખુલ્યુ તો કોકાકોલાના શેરની કિંમત ૫૬.૧૦ ડોલર હતી જે ગગડીને ૫૫.૨૨ ડોલર થઇ હતી. આનાથી કોકાકોલાને ૨૯૩ કરોડનું ધોવાણ થયુ હતુ.

(3:20 pm IST)