Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ખેલાડીને રિટાયરમેન્ટ બાદ સન્માન મળે એ વિરાટને ૩૦ વર્ષની ઉંમરમાં મળ્યું

કેપ્ટન બન્યા બાદ પણ કોહલીની બેટીંગમાં કોઇ ફેર પડયો નથીઃ યુવરાજ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના સિકસર કિંગ યુવરાજ સિંહે કહ્યું કે વિરાટ ખૂબ મહેનતુ ખેલાડી છે અને લોકોને જેટલું સન્માન ક્રિકેટના રિટાયરમેન્ટ બાદ મળે છે એટલું વિરાટ કોહલીને ૩૦ વર્ષની ઉંમરમાં મળી ચૂક્યું છે.

 યુવરાજે કહ્યું હતું કે વિરાટ કોહલીએ ઘણા મોટા કામ કર્યા છે. ઘણા અવસર બનાવ્યા છે. આજ કારણ છે કે તેને વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ઘણો યંગ હોવા છતા જગ્યા મળી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ એકને પસંદ કરવાનો મેનેજમેન્ટ સામે મોટો સવાલ હતો, પરંતુ એ સમયે વિરાટ કોહલીએ ઘણા રન બનાવ્યા હતા, જેના કારણે તેને જગ્યા આપવામાં આવી હતી. જો ત્યારથી અત્યારના કોહલીની તુલના કરીએ તો ઘણો બદલાવ આવી ચૂક્યો છે.

 ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે મેં વિરાટ કોહલીને મોટો થતો જોયો છે. તેને મારી સામે ટ્રેનિંગ કરતા જોયો છે. તે પોતાની ક્રિકેટ પર મહેનત કરે છે. પોતાની ટ્રેનિંગને લઈને તે ખૂબ અનુશાસિત છે. તેમાં દુનિયાનો બેસ્ટ બેટ્સમેન બનવાના ગુણ હતા અને આજે એ બધી વસ્તુ તેના હાવભાવમાં ઝળકે છે. કેપ્ટનશિપ મળ્યા બાદ પણ વિરાટ કોહલીની બેટિંગ પર કોઈ અસર પડી નથી, પરંતુ તે હજુ સારી થઈ છે.   વિરાટ  ઘણા બધા રન બનાવીને ટીમનો કેપ્ટન બન્યો છે.

(3:21 pm IST)