Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ઇંગ્લેન્ડથી ખરાબ સમાચાર : ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ, રહાણે અને આવેશ ખાન ઇજાગ્રસ્ત

લંડન,તા. ૨૧: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. કેપ્ટન કોહલી, અજીંકય રહાણે અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થયા છે. કોહલીની પીઠમાં તકલીફ થઇ છે તો રહાણેના ડાબા પગ પર હેમસ્ટ્રિંગમાં સોજો છે. જયારે ખાનના ડાબા હાથની આંગળીમાં ઈજા થતા ઇંગ્લેન્ડ વિરુદ્ઘ રમાનારી ટેસ્ટ સિરીઝ પહેલા કાઉન્ટી સિલેકટ ઇલેવન માટે ન રમી શકયા.

BCCIએ નિવેદન આપ્યુ છે કે ભારતના કેપ્ટન અને ઉપકપ્તાનને ઇજા થઇ છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીને સોમવારે સાંજે પીઠમાં ઇજા થઇ છે તેના કારણે તે આરામ પર છે. આ ત્રણેયને પ્રેકિટસ મેચ ન રમવા માટેની સલાહ આપવામાં આવી છે. હાલમાં તે પ્રેકિટસ મેચથી બહાર છે. ઇંગ્લેન્ડ વિરુદ્ઘ આ ટેસ્ટ ૪ ઓગસ્ટથી શરૂ થવાની છે.

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પંત થોડા દિવસો પહેલા જ યુરો કપમાં ઈંગ્લેન્ડ અને જર્મનીની વચ્ચેનો મુકાબલો જોવા માટે લંડનના વેમ્બલે સ્ટેડિયમ ગયા હતા. સ્ટેડિયમમાં પંત હજારો લોકોની વચ્ચે વગર માસ્ક પહેરે ફેન્સની સાથે તસ્વીર પણ પડાવતા જોવા મળી રહ્યા છે. પંતની આ ભૂલ તેને ભારે પડી છે અને તે કોરોના વાયરસનો શિકાર બન્યા છે. પંતને ૧૮ જુલાઈ સુધી આઈસોલેશનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ ફરી વખત તેમનો કોરોના ટેસ્ટ થશે. જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો જ તે ડરહમમાં ૨૦ જુલાઈએ થનાર ટેસ્ટમેચનો ભાગ બની શકશે.

બીસીસીઆઈ સચિવ જય શાહે બ્રિટનમાં હાજર ભારતીય ટીમને હાલમાં જ ઈ-મેલ મેકલીને ત્યાના કોવિડ-૧૯ના વધતા કેસને લઈને ચેતવ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રોએ જણાવ્યું કે, હા એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ હાલ તેમનામાં કોઈ લક્ષણ જોવા નથી મળી રહ્યા. તે હાલમાં પોતાના એક સંબંધીને ત્યા તેના ધરમાં કવોરન્ટાઈન છે અને ગુરુવારે ટીમની સાથે ડરહમ નહીં જઈ શકે.

(3:22 pm IST)