Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

બ્લાઈન્ડ વર્લ્ડકપ જીતાડનાર ક્રિકેટર શાકભાજી વેચે છે

ખેલાડી શાકભાજી વેચવા માટે મજબુર બન્યો : ૨૦૧૧માં ૨૮ વર્ષ બાદ ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનારી ટીમ ઉપર ઈનામોની ઘણી વર્ષા થઈ હતી

અમદાવાદ, તા.૨૧ : ૨૦૧૧માં ૨૮ વર્ષ બાદ ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનારી ટીમ પર ઈનામોની ઘણી વર્ષા થઈ હતી. પ્રધાનમંત્રીથી લઈને રાજ્ય સરકાર તરફથી ખેલાડીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. ભારત આવવા પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હવે બીજી તરફ ૨૦૧૮માં ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીઓને હાલ કોઈ પૂછી પણ નથી રહ્યું. સ્થિતિ એવી છે કે ઘર ચલાવવા માટે તેમને શાકભાજી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે. સરકાર પણ તેમની પૂછી નથી રહી. ૨૦મી માર્ચે ૨૦૧૮એ પાકિસ્તાને શાહજાહમાં રાખેલા ૩૦૮ રનના લક્ષ્યનો પીછો કરનારી ટીમના પ્લેઈંગ ઈલેવનમાં રહેલા ગુજરાતના ક્રિકેટર નરેશ તુમડાની પણ આવી સ્થિતિ છે.

           ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનાર નરેશ બે વર્ષ બાદ કોરોનાની મહામારીમાં અમદાવાદના જમાલપુર માર્કેટમાં શાકભાજી વેચવા માટે મજબૂર થયો છે. નવસારીના વાંસદાના મૂળ વતની નરેશ પર પરિવારના પાંચ સદસ્યોના ભરણપોષણની જવાબદારી છે. બ્લાઈન્ડ ક્રિકેટર્સ માટે તેમની આશાથી એકદમ વિપરીત સરકાર નોકરી કે અન્ય કોઈ મદદ માટે આગળ નથી આવી રહી. બીજી તરફ મજૂરીકામ અને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોઈમેન્ટ ગેરેન્ટી એક્ટના કામ પણ ઓછા થઈ ગયા છે, એવામાં નરેશ પાસે અમદાવાદ આવીને શાકભાજી વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. નરેશ કહે છે, 'જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતી ત્યારે સરકારે અને કોર્પોરેશને તેમના પર પૈસાનો વરસાદ કર્યો હતો.

           અમે બ્લાઈન્ડ છીએ એટલે ઓછા મહત્વના ખેલાડીઓએ છીએ. સમાજે અમારી સાથે પણ એકસમાન વર્તન કરવું જોઈએ. કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનથી ધીમી થયેલી ઈકોનોમીમાં માત્ર નરેશ તુગડા નહીં અન્ય સેક્ટરના પણ ઘણા પ્રોફેશનલ લોકો શાકભાજી વેચવા માટે મજબૂર થયા છે. અમદાવાદમાં બે જગ્યાએ ડાંસ ક્લાસ ચલાવતા કોરિયોગ્રાફર જયેશ નાયકે સ્ટુડિયોનું ભાડું પોસાતા ક્લાસ બંધ કરી દીધા છે અને શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ડાંસ ક્લાસ ફરી ચાલું થશે તો પણ સ્થિર આવકના સોર્સ માટે શાકભાજી વેચવાનું કામ ચાલું રાખશે.

(7:46 pm IST)