Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કાઠમંઠુ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વડોદરાની એરિયલ સિલ્ક ગેમની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

એરિયલ સિલ્કમાં મુખ્યત્વે યોગ આધારિત કૌશલ્ય દર્શાવાય છે, જેના લીધે બાળકો નાનપણથી જ ચુસ્ત અને તંદુરસ્ત બને છે

નવી દિલ્હી,તા. ૨૩: વિદ્વતા અને વિદ્વાનોને પ્રોત્સાહન આપવા માટે જાણીતી સંસ્કારી નગરી વડોદરા હવે એથ્લેટિકસ ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહી છે. સાઉથ એશિયન ફેડરેશન ફોર ઓલ સ્પોર્ટ્સ દ્વારા તાજેતરમાં નેપાળની રાજધાની કાઠમંડૂમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ગેમ્સ ૨૦૨૧માં વડોદરા શહેરમાં આવેલા માણેકરાવ અખાડાની ૧૦થી ૧૪ વર્ષની કિશારીઓએ એરિયલ સિલ્ક અને રોપ મલખમ જેવી રમતોમાં સર્વોત્ત્।મ દેખાવ કરી ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.

સાઉથ એશિયન ફેડરેશન ફોર ઓલ સ્પોર્ટ્સમાં એરિયલ સિલ્કની રમત સૌપ્રથમ વખત રજૂ કરાઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી માણેકરાવ અખાડાની એક માત્ર ટીમે ડેમો ગેમનું પ્રદર્શન કરી આયોજકો તથા ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. એરિયલ સિલ્ક અંગે માહિતી આપતાં ટીમના મેનેજર વિક્રમ ખિડકીકરે જણાવ્યું હતું કે ગત ૨૮થી ૩૦ માર્ચના રોજ કાઠમંડુમાં યોજાયેલી સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં સૌપ્રથમ વાર એરિયલ સિલ્કની રમતને રજૂ કરાઈ હતી. આ રમતનો મુખ્ય હેતુ બાળકોને નાની ઉંમરથી જ શારીરિક તંદુરસ્તી, ફ્લેકિસબિલિટી અને શિસ્તનું મહત્વ સમજાવવાનો છે.  એરિયલ સિલ્કમાં મુખ્યત્વે યોગ આધારિત કૌશલ્ય દર્શાવાય છે, જેના લીધે બાળકો નાનપણથી જ ચુસ્ત અને તંદુરસ્ત બને છે.

આ રમત વિશે માહિતી આપતાં ટીમના કોચ સુધિર ધળનકરે જણાવ્યું હતું કે એરિયલ સિલ્કમાં ૨૦-૨૫ ફૂટની ઊંચાઈ પર બાંધેલા સિલ્કના લાંબા ૧-૨ કપડાં પર રમતવીર દ્વારા શારીરિક અંગ-મરોડના વિવિધ કરતબો દાખવવામાં આવે છે. આ રમતમાં મહારત હાંસલ કરવા માટે શરીરના તમામ અંગો અત્યંત સ્થિતિસ્થાપક હોવા જરૂરી છે. આ ઉપરાંત જમીનથી ૨૦-૨૫ ફૂટ જેટલી ઊંચાઈ પર કરતબો કરવા માટે શારીરિક ક્ષમતા પણ એટલી જ મહત્વની બની રહે છે. એરિયલ સિલ્કમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ કલાઈમ્બ એટલેકે સિલ્કના કાપડને પકડીને તેની ઊંચાઈ સુધી જવું, બીજું રેપ એટલે કે હવામાં રહીને જ કાપડને શરીર સાથે વિંટાળી વિવિધ કરતબો કરવા તથા અંતમાં ડ્રોપ એટલે કે કરતબ પૂરાં કરી સરળતાથી નીચે ઉતરવું. આ ત્રણેય કૌશલ્યને આધારે સ્પર્ધકને પોઈન્ટ્સ અપાય છે.

વર્તમાન સમયમાં લોકોમાં એરિયલ યોગનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં એરિયલ સિલ્ક અને એરિયલ યોગ બંનેમાં કેટલાક તફાવતો છે. જેમ કે એરિયલ યોગમાં જમીન અને રોપ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે, જયારે એરિયલ સિલ્કમાં જમીનથી અદ્ઘર હવામાં જ જીમ્નેસ્ટિકના કરતબો દર્શાવવામાં આવે છે.

ભારતમાં પણ ધીમેધીમે એરિયલ સિલ્કની રમતનું આકર્ષણ વધી રહ્યું છે. ખાસ કરીને ૮- ૧૪ વર્ષની વયજૂથના બાળકોના વાલીઓ પોતાના પાલ્યની શારીરિક અને માનસિક મજબૂતી માટે તેમને એરિયલ સિલ્કની તાલીમ અપાવી રહ્યાં છે.

(11:03 am IST)