Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

બેસ્‍ટ ઓફ લક...ટીમ ઇન્‍ડિયાની પ્રથમ બેચ ઇંગ્‍લેન્‍ડ રવાના

દ્રવિડની આગેવાનીમાં વિરાટ, અશ્વિન, અક્ષર, શાર્દુલ, ઉમેશ આજે ઇંગ્‍લેન્‍ડ રવાનાઃ ઉનડકટ હજુ ખભાની ઇન્‍જરીમાંથી બહાર આવ્‍યો નથી

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમે ઈંગ્‍લેન્‍ડમાં ૭ જૂનથી ઓસ્‍ટ્રેલિયન ટીમ સાથે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ભારતીય ટીમના ખેલાડીઓને ૩ બેચમાં ઈંગ્‍લેન્‍ડ મોકલવામાં આવશે. ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચમાં એ ખેલાડીઓ સામેલ છે જેમની ટીમ આઇપીએલમાં પ્‍લેઓફમાં પહોંચી શકી નથી. આ ખેલાડીઓ આજે ઇગ્‍લેન્‍ડ જવા રવાના થશે. જેમાં વિરાટ કોહલી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ,મોહમ્‍મદ શીરાજ મુખ્‍ય ખેલાડી તરીકે સામેલ છે.ટીમ ઈન્‍ડિયાના મુખ્‍ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્‍વમાં પ્રથમ બેચ આજે ઈંગ્‍લેન્‍ડ જવા રવાના થશે.  બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્‍યું હતું કે ટીમ કુલ બે કે ત્રણ બેચમાં રવાના થશે. આઇપીએલમાં નેટ્‍સમાં પ્રેક્‍ટિસ દરમિયાન ઈજાગ્રસ્‍ત થયેલો ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ પ્રથમ બેચ સાથે ઈંગ્‍લેન્‍ડ જવા રવાના થશે. ઉનડકટ હજુ ખભાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્‍વસ્‍થ થયો નથી. બીસીસીઆઇ મેડિકલ ટીમ લંડનમાં તેની ફિટનેસ પર સતત નજર રાખશે અને તે મુજબ ઉનડકટના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. જયદેવ ઉનડકટ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ ઈનસાઇડ સ્‍પોર્ટને આપેલા નિવેદનમાં જણાવ્‍યું કે જયદેવ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો છે. પરંતુ તે હજુ સુધી મેચ માટે ફિટ નથી. તેણે હમણાં જ થોડી બોલિંગ શરૂ કરી છે. પરંતુ અમને આશા છે કે તે આવતા સપ્તાહ સુધીમાં સંપૂર્ણ સ્‍વસ્‍થ થઈ જશે.

 

 

(5:12 pm IST)