Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ગુજરાત ટાઇટન્‍સની તાકાત છે હાર્દિક,ગિલ અને વિજય શંકર : છેલ્લી ઘડીએ બાજી પલટી શકે છે : ધોની માટે બનશે ટેન્‍શન

આ સિઝનમાં બન્‍ને ટીમો વચ્‍ચે ત્રણ મેચ રમાઇ હતી, જેમાં ત્રણેયમાં ગુજરાત જીત્‍યું હતું

મુંબઈ તા.૨૩ : ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ગુજરાત ટાઇટન્‍સનું પ્રદર્શન આ વર્ષે પણ ગત સિઝનની જેમ જ શાનદાર રહ્યું. IPL ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્‍સની ટીમ માત્ર ચાર મેચ હારી છે. તે પ્‍લેઓફ માટે ક્‍વોલિફાય થનારી પ્રથમ ટીમ પણ બની હતી. ત્‍યારે હવે IPL ૨૦૨૩ની પ્રથમ ક્‍વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્‍સ અને ચેન્નાઈ સુપર કિંગ્‍સ વચ્‍ચે આજે રમાશે. આજે બે મજબૂત ટીમ સામ સામે ટકરાશે. આ એક હાઈ વોલ્‍ટેજ મુકાબલો હશે. આજે સાંજે ૭.૩૦ વાગ્‍યે ચેપૉક સ્‍ટેડિયમાં હાર્દિક પંડ્‍યાની સામે પોતાના ગુરુ મહેન્‍દ્રસિંહ ધોનીને હરાવવાનો પડકાર હશે.

જો ગુજરાત ટાઈટન્‍સ CSKને હરાવવામાં સફળ થશે, તો ટીમ સતત બીજા વર્ષે લીગ તબક્કાની ફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ જો ચેન્નાઈ સુપર કિંગ્‍સને આ મેચ જીતવી હોય તો તેણે ગુજરાતના આ ખેલાડીઓને પરાજિત કરવા પડશે. નહીં તો આ ખેલાડી અન્‍યથા આ મેચને પોતાના નામે કરી લેશે.

ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન પાસે ટોપ ઓર્ડરમાં શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા અને વિજય શંકર જેવા બેટ્‍સમેન છે, જેઓ સારા ફોર્મમાં છે. આ સાથે હાર્દિક પંડ્‍યા, રાહુલ તેવટિયા, ડેવિડ મિલર અને રાશિદ ખાન મિડલ ઓર્ડરને વિસ્‍ફોટક બનાવી રહ્યા છે. મિડલ ઓર્ડરમાં આ ૪ ફિનિશર્સ હોવાને કારણે ટીમ કોઈપણ ઓવરમાં પોતાનો સ્‍કોરિંગ રેટ વધારવાની ક્ષમતા ધરાવે છે.

શુભમન ગિલ : બેટિંગ લાઇન અપના ટોપર શુભમન ગીલે સતત બે સદી ફટકારી છે. તેમના નામે ૬૮૦ રન છે. વર્તમાન સિઝનના ટોપ રન સ્‍કોરરમા શુભમન ગિલ બીજા ક્રમે છે. જ્‍યારે પ્‍લેઓફની ટીમોમાં ગિલ જ ટોપર છે. IPLની આ સિઝનમાં ગુજરાત ટાઇટન્‍સના યુવા બેટ્‍સમેન શુભમન ગિલ જોરદાર ફોર્મમાં છે. તેમણે આ સિઝનમાં અત્‍યાર સુધી રમાયેલી ૧૪ મેચોમાં ૫૬.૬૭ની એવરેજથી ૬૮૦ રન બનાવ્‍યા છે, જેમાં બે સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે હૈદરાબાદ અને બેંગ્‍લોર સામે બેટિંગમાં સદી ફટકારી હતી.

હાર્દિક પંડ્‍યા : ગુજરાત ટાઇટન્‍સના કેપ્‍ટન હાર્દિક પંડ્‍યા મેચ વિનર ખેલાડી છે. તેઓ ગમે તે સમયે પોતાની બોલિંગ અને બેટિંગથી મેચને પલટી શકે છે. આ સિવાય તેઓ કેપ્‍ટન તરીકે પણ ખૂબ અસરકારક રહ્યા છે. તેમણે આ સિઝનમાં અત્‍યાર સુધી રમાયેલી મેચોમાં ૨૮૯ રન બનાવ્‍યા છે. તેમનો સ્‍ટ્રાઇક રેટ ૧૩૦.૭૬ અને એવરેજ ૨૮.૯૦ છે.

વિજય શંકર : ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ગુજરાત ટાઇટન્‍સ ટીમમાં વધુ એક ખતરનાક ખેલાડી છે. તેમનું નામ છે વિજય શંકર. વિજય શંકરે આ સિઝનમાં અત્‍યાર સુધીમાં ૧૧ મેચ રમી છે. જેમાં તેઓએ ૪૧.૦૦ની એવરેજથી ૨૮૭ રન બનાવ્‍યા છે. તેમનો સ્‍ટ્રાઇક રેટ ૧૬૧.૨૩ છે.

આ ઉપરાંત ગુજરાતની પાસે મોહમ્‍મદ શમી અને મોહિત શર્મા જેવા પેસરની સાથે રાશિદ ખાન અને નૂર અહેમદ જેવા રિસ્‍ટ સ્‍પિનર પણ છે. ચેન્નઈ સામે ગુજરાત અજેય છે, એટલે કે ધોનીની ટીમ અત્‍યાર સુધી ગુજરાતને હરાવી શકી નથી. બંને વચ્‍ચે અત્‍યાર સુધીમાં ૩ મેચ રમાઈ છે, ત્રણેયમાં ગુજરાતનો વિજય થયો હતો. ટીમે ગત સિઝનમાં ૨ મેચ અને આ સિઝનમાં એક મેચ જીતી છે. આવી સ્‍થિતિમાં આંકડા ગુજરાતની તરફેણમાં છે.(

(5:13 pm IST)