Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ટીમ ઈન્ડિયાના બોલરોએ રંગ રાખ્યો, હવે બેટસમેનોએ જાનદાર પ્રદર્શન કરવું પડશે

WTC ફાઈનલ, ન્યુઝીલેન્ડ ૨૪૯/૧૦: બીજા દાવમાં ભારત ૬૪/૨: પૂજારા- વિરાટ ક્રિઝ ઉપર : આજે રિઝર્વ-ડેના ૯૮ ઓવરની રમતઃ ભારતીય બેટસમેનો- બોલરો મહાજીત અપાવશે જ તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા

સાઉથમ્પ્ટનઃ WTC ફાઈનલની બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. શુભમન ગિલનું નબળું ફોર્મ યથાવત રહ્યું છે. તે બીજા દાવમાં ગિલ ૮ રન બનાવીને આઉટ થયો છે. ૨૪ના સ્કોર પર ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ રોહિત શર્મા પણ ૩૦ રન બનાવી આઉટ થયો હતો. ૫૧ રને ભારતની બીજી વિકેટ પડી હતી. આ બન્ને વિકટે સાઉદીએ લીધી હતી. ૩૦ ઓવરના અંતે રમત પુરી થઈ ત્યાં સુધીમાં ભારતે ૬૪ રન બનાવ્યા છે. કોહલી ૮ અને પુજારા ૧૨ રને નોટ આઉટ રહ્યા છે. આજે ફાઈનલ મુકાબલાનો રિઝર્વ- ડેનો અંતિમ દિવસ છે. દિવસ દરમ્યાન ૯૮ ઓરવની રમત રમાશે.

ભારતીય બોલરોના અસરકારક દેખાવ છતાં વિલિયમસનના લડાયક ૪૯ તેમજ સાઉથી અને જેમીસનની ઉપયોગી ઈનિંગને સહારે ન્યૂઝિલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રથમ ઈનિંગને ૩૨ રનની પાતળી સરસાઈ હાંસલ કરી લીધી હતી. શમીએ ચાર અને ઈશાંતે ત્રણ વિકેટ ઝડપતા ભારતના ૨૧૭ના જવાબમાં ન્યૂઝિલેન્ડ પાંચમા દિવસે ૯૯.૨ ઓવરોમાં ૨૪૯ રને આઉટ થયું હતું.

ભારતીય ફાસ્ટરોએ પાંચમા દિવસે આક્રમક શરૂઆત કરી હતી. ન્યૂઝિલેન્ડે પાંચમા દિવસે માંડ ૧૬ રન જોડયા હતા, ત્યાં જ શમી ત્રાટક્યો હતો. તેણે ટેલર જેવા ડેન્જરસ બેટ્સમેનને માત્ર ૧૧ રનના વ્યકિતગત સ્કોર પર ગિલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જે પછી ઈશાંતે નિકોલ્સને (૭) અને શમીએ વેટલિંગ (૧)ને પેવેલિયન ભેગા કરતાં ન્યૂઝિલેન્ડની ટીમ પાંચ વિકેટે ૧૩૫ રનના સ્કોર પર ફસડાઈ ગઈ હતી. પાંચમા દિવસે સવારથી લઈને લંચ સુધીમાં ન્યૂઝિલેન્ડ માંડ ૩૪ રન કરી શક્યું હતુ અને તેમણે ત્રણ વિકેટ ગુમાવી હતી. ભારતીય બોલરોનો પ્રભાવ મેચ પર સ્પષ્ટ જોઈ શકાતો હતો.

કેપ્ટન વિલિયમસને એક છેડો સાચવી રાખતાં સંઘર્ષ જારી રાખ્યો હતો. તેણે લંચ બાદ ન્યૂઝિલેન્ડને ધીમી ગતિએ આગળ ધપાવ્યું હતુ. વિલિયમસન અને ગ્રાન્ડહોમ (૧૩)ની જોડીએ છઠ્ઠી વિકેટમાં ૨૭ રન જોડયા હતા. જ્યારે જેમીસન (૨૧) સાથે તેણે ૩૦ રનની ભાગીદારી કરી હતી. શમીએ ગ્રાન્ડહોમ અને જેમીસનને પેવેલિયન ભેગા કર્યા હતા. વિલિયમસન અને સાઉથી (૩૦)એ ૨૯ રન જોડયા ત્યારે અનુભવી ફાસ્ટર ઈશાંતે ન્યૂઝિલેન્ડના કેપ્ટનની વિકેટ ઝડપી હતી. સાઉથીએ આક્રમક સ્ટ્રોકસ ફટકાર્યા હતા. ન્યૂઝિલેન્ડની આખરી ત્રણ વિકેટે ૫૭ રન જોડયા હતા.

(3:16 pm IST)