Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મેડલ જીતશે તો એથ્લેટસો ઉપર થશે રૂપિયાનો વરસાદ

ગોલ્ડ જીતે તો ૭૫ લાખ, સિલ્વર માટે ૪૦ લાખ અને બ્રોન્ઝ મેડલ જીતે તો ૨૫ લાખનું ઇનામઃ ભાગ લેનાર દરેક ખેલાડીને ૧-૧ લાખ રૂપિયા ઉપરાંત દરરોજ દૈનિક ભથ્થા પટે ૫૦ ડોલર પણ અપાશેઃ IOAની જાહેરાત

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી રમત-ગમત સ્પર્ધામાં હરીફાઈ અને મેડલની રેસ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી ૧૨૫ એથ્લેટ્સના વિશાળ જૂથે ભાગ લીધો છે.આજથી તીરંદાજીમાં ભારતનું અભિયાન શરૂ થઈગયું છે.

ભારત કેટલીક રમતોમાં ગોલ્ડ મેડલના દાવેદાર છે. એવી અપેક્ષા છે કે આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય ઈતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને સ્પર્ધાઓ શરૂ થવાના એક દિવસ પહેલા ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ખેલાડીઓને રોકડ ઈનામથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. IOA એ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનારથી માંડીને ભાગ લેનારા તમામ રમતવીરોને સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.

 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથ્લેટને ૭૫ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જ્યારે સિલ્વર મેડલ જીતનાર ખેલાડીને રુ. ૪૦ લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનારાને રુ. ૨૫ લાખનું ઈનામ આપવામાં આવશે. પુરસ્કાર ઉપરાંત માત્ર દૈનિક ખિસ્સા-ખર્ચ જ નહીં, ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક ખેલાડીને એસોસિએશન તરફથી ૧-૧ લાખ રૂપિયા આપવામાં આવશે.

ટોક્યોમાં ભાગ લેનારા ખેલાડીઓને ફકત રોકડ જ નહીં, પરંતુ તેમના રોજિંદા જીવન માટે પોકેટ મની પણ આપવામાં આવશે. આ અંતર્ગત જ્યાં સુધી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ટોક્યોમાં રહેશે, ત્યાં સુધી તેમને દરરોજ ૫૦ યુએસ ડોલર મુજબ ભથ્થું આપવામાં આવશે. IOA દ્વારા માત્ર ખેલાડી અને સપોર્ટ સ્ટાફને જ નહીં, ટૂર્નામેન્ટથી જોડાયેલા રાષ્ટ્રીય સંઘોને પણ પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

જે મુજબ ટોક્યો ઓલિમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરાયેલ રાષ્ટ્રીય ફેડરેશનને ૨૫ લાખનું બોનસ આપવામાં આવશે. જ્યારે કોઈપણ ફેડરેશન સાથે સંકળાયેલા ખેલાડીઓ ટોક્યોમાં મેડલ જીતવામાં સફળ થશે. તે મહાસંઘને ૩૦ લાખ રૂપિયાની વધારાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. અન્ય તમામ સ્પોર્ટસ ફેડરેશનોને પણ પ્રત્યેક લેખે ૧૫ લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે IOA એ સાથે સંકળાયેલ રાજ્ય ઓલિમ્પિક ફેડરેશનોને પણ માળખાગત વિકાસ માટે ૧૫-૧૫ લાખ રૂપિયા આપવામાં આવશે.

(3:54 pm IST)