Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભારત-ઇંગ્‍લેન્‍ડ ટેસ્‍ટ મેચમાં ઇશાંત શર્માએ સદી ફટકારીઃ રાષ્‍ટ્રપતિ-ગૃહમંત્રી સહિતના મહાનુભાવોએ સન્‍માન કર્યું

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટનો પ્રારંભ થઈ ગયો છે. ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા માટે આ મેચ ખુબ યાદગાર છે. ઈશાંત શર્માએ મેદાનમાં ઉતરવાની સાથે નવો રેકોર્ડ બનાવી લીધો છે. આ ઈશાંતના કરિયરની 100મી ટેસ્ટ છે. તે ભારત તરફથી 100 ટેસ્ટ રમનાર બીજો ફાસ્ટ બોલર છે. આ પહેલા કપિલ દેવે 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી. તો ઈશાંતે આ મેચને વધુ યાગદાર બનાવતા પોતાની બીજી ઓવરમાં વિકેટ પણ ઝડપી હતી. તો ઈશાંત શર્મા મેદાનમાં ઉતર્યો ત્યારે ભારતીય ટીમે તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું.

ઈશાંતના કરિયર પર એક નજર

ઈશાંત શર્માએ 25 મે 2007માં બાંગ્લાદેશ સામે ઢાકામાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. 32 વર્ષના ઈશાંતે અત્યાર સુધી 100 ટેસ્ટ મેચમાં 303 વિકેટ ઝડપી છે. તેણે આ દરમિયાન 11 વખત 5 વિકેટ અને એક વખત ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી છે. ઈશાંત પોતાની કારકિર્દીમાં ફિટનેસ અને ખરાબ ફોર્મની સમસ્યાથી પરેશાન રહ્યો છે. જેના કારણે તે ડેબ્યુ પછીની અત્યાર સુધીની 45 ટેસ્ટ મેચ રમી શક્યો નથી.

ઈશાંતનું કરાયુ સન્માન

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહએ ખાસ મોમેન્ટો આપીને ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું સન્માન કર્યુ હતું.

100 કે તેનાથી વધારે ટેસ્ટ રમનારા ભારતીય ખેલાડી:

1. સચિન તેંડુલકર (200 ટેસ્ટ) :

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારત માટે 200 ટેસ્ટ મેચ રમી છે. જે વર્લ્ડ રેકોર્ડ છે. 24 વર્ષની કારકિર્દી દરમિયાન સચિને ટેસ્ટ ક્રિકેટમાં 53.78ની એવરેજથી 15,921 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 51 ટેસ્ટ સદી અને 68 અર્ધસદી ફટકારી છે. સચિનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 248 રનનો રહ્યો. જે તેણે બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. સચિને બોલિંગમાં પણ હાથ અજમાવતાં 46 વિકેટ ઝડપી હતી.

2. રાહુલ દ્વવિડ (164 ટેસ્ટ):

ધ વોલ નામથી જાણીતા રાહુલ દ્રવિડે ભારત માટે 163 અને વર્લ્ડ ઈલેવન માટે એક ટેસ્ટ મેચ રમી. તે ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર પછી સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. દ્રવિડે 52.31ની એવરેજથી 13,288 રન બનાવ્યા. જેમાં 36 અર્ધસદી અને 63 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 270 રનનો રહ્યો. જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

3. વીવીએસ લક્ષ્મણ (134 ટેસ્ટ):

કલાત્મક બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે 134 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. લક્ષ્મણે 45.97ની એવરેજથી 8781 રન બનાવ્યા. જેમાં 17 સદી અને 56 અર્ધ સદીનો સમાવેશ થાય છે. લક્ષ્મણનો સૌથી વધારે સ્કોર 281 રન રહ્યો. જે તેણે ઓસ્ટ્રેલિયા સામે કોલકાતાની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો.

4. અનિલ કુંબલે (132 ટેસ્ટ):

જમ્બો નામથી જાણીતા અનિલ કુંબલેએ ભારત માટે 132 ટેસ્ટ મેચ રમી. લેગ સ્પિનર કુંબલે સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર છે. કુંબલેએ 29.65ની એવરેજથી 619 વિકેટ ઝડપી. જેમાં 35 વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. કુંબલેએ પાકિસ્તાન સામે ટેસ્ટ ઈનિંગ્સમાં 74 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. કુંબલે પહેલાં ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ઝડપી હતી.

5. કપિલ દેવ (131 ટેસ્ટ) :

મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ મેચ રમી. કપિલ દેવે 29.64ની એવરેજથી 434 વિકેટ ઝડપી. જેમાં 23 પાંચ વિકેટ હોલનો સમાવેશ થાય છે. તેમણે બેટિંગથી પણ શાનદાર કમાલ કરતાં 5248 રન બનાવ્યા. જેમાં 8 સદી અને 27 અર્ધસદીનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે સ્કોર 163 રનનો રહ્યો. જે શ્રીલંકા સામે બનાવ્યો હતો.

6. સુનિલ ગાવસ્કર (125 ટેસ્ટ) :

મહાન ઓપનર સુનિલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. ગાવસ્કર ટેસ્ટ મેચમાં 10,000 રન બનાવનાર દુનિયાના પહેલા બેટ્સમેન છે. ગાવસ્કરે 51.12ની એવરેજથી 10,122 રન બનાવ્યા. જેમાં 34 સદી અને 45 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 236 રન રહ્યો. જે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.

7. દિલીપ વેંગસરકર (116 ટેસ્ટ) :

દિલીપ વેંગસકરે 42.13ની એવરેજથી 6868 રન બનાવ્યા. જેમાં 17 સદી અને 35 અર્ધસદીનો સમાવેશ થાય છે. વેંગસકરનો સૌથી વધારે સ્કોર 239 રન છે. જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

8. સૌરવ ગાંગુલી (113 ટેસ્ટ) :

દાદાના નામથી જાણીતા અને હાલ બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ મેચ રમી. ગાંગુલીએ 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા. જેમાં 16 સદી અને 35 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 239 રન રહ્યો. જે તેમણે પાકિસ્તાન બનાવ્યો છે. 

9. વીરેન્દ્ર સેહવાગ (104 ટેસ્ટ):

મુલ્તાનના સુલ્તાનના નામથી જાણીતા વીરેન્દ્ર સેહવાગે ભારત માટે 103 અને વર્લ્ડ ઈલેવન માટે 1 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન સેહવાગે 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા. જેમાં 23 સદી અને 32 અર્ધસદીનો સમાવેશ થાય છે. સેહવાગનો બેસ્ટ સ્કોર 319 રન રહ્યો. જે તેણે સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં બનાવ્યો હતો.

10. હરભજન સિંહ (103 ટેસ્ટ) :

ટર્બોનેટરના નામથી જાણીતા ઓફ સ્પિનર હરભજન સિંહે ભારત માટે 103 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન હરભજને 32.46ની એવરેજથી 417 વિકેટ ઝડપી. જેમાં 25 વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. હરભજન ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારો પહેલો ભારતીય બોલર છે.

(4:49 pm IST)