Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજસ્થાન રોયલ્સના સ્ટોક્સે ચેન્નઈ પીચને કચરો ગણાવી

IPLમાંથી બહાર છતાં સ્ટોક્સની નજર સ્પર્ધા પર : મેદાન પર મોટો સ્કોર બની રહ્યો નથી, ત્યાં ૧૬૦-૧૭૦ રન પણ કોઈ ટીમ બનાવી શકતી નથી : બેન સ્ટોક્સ

નવી દિલ્હી, તા.૨૪ : રાજસ્થાન રોયલ્સનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈજાને કારણે આઈપીએલ-૨૦૨૧માંથી બહાર થઈ ગયો છે અને પોતાના દેશ પરત ફર્યો છે. છતાં તેની નજર આઈપીએલની ૧૪મી સીઝન પર છે. ઈંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર આઈપીએલની દરેક મેચ પર પોતાની નજર રાખે છે. આ કારણ છે કે સ્ટોક્સે ચેન્નઈની પિચને કચરો ગણાવી છે, કારણ કે તે મેદાન પર મોટો સ્કોર બની રહ્યો નથી. ત્યાં ૧૬૦-૧૭૦ રન પણ કોઈ ટીમ બનાવી શકતી નથી.

શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં પંજાબે મુંબઈને ૯ વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈના એમએ ચિદમ્બરમ  સ્ટેડિયમમાં રમાયેલા  મુકાબલા દરમિયાન પિચ ખુબ સ્લો રહી. તેવામાં બેન સ્ટોક્સે પિચને કચરો ગણાવતા કહ્યુ કે, તેને આશા છે કે આ કારણે આઈપીએલની સીઝન બેકાર થશે નહીં. સ્ટોક્સ રાજસ્થાન માટે માત્ર એક મેચ રમી શક્યો હતો. બેન સ્ટોક્સે ટ્વીટ કરી કહ્યુ, 'તેને આશા છે કે વિકેટ આઈપીએલ ૨૦૨૧ની સીઝનને બેકાર નહીં કરે, જેમ-જેમ આ ટૂર્નામેન્ટ આગળ વધશે.

કોઈપણ વિકેટ પર ઓછામાં ઓછો ૧૬૦-૧૭૦નો સ્કોર બનજો જોઈએ. આ ૧૩૦થી ૧૪૦ વચ્ચે બની રહ્યાં છે જે કચરા વિકેટને કારણે છે.' શુક્રવારે રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૩૧ રન બનાવ્યા હતા. પંજાબે ૧૭.૨ ઓવરમાં આ લક્ષ્યને હાસિલ કરી લીધો હતો. બેન સ્ટોક્સ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પણ ચેન્નઈની પિચને લઈને સવાલ ઉઠાવી ચુક્યો છે. વોર્નરે પિચને ચોંકાવનારી ગણાવી હતી કારણ કે જ્યારે તે બેટિંગ કરવા ઉતર્યો તો પિચ ધીમી થઈ ગઈ હતી. બાદમાં વોર્નરે તે પણ સ્વીકાર કર્યો કે ક્યૂરેટરોની પાસે સારી વિકેટ તૈયાર કરવા વધુ સમય નથી, કારણ કે આઈપીએલ ૨૦૨૧ના મુકાબલા સતત રમાઈ રહ્યાં છે.

(9:11 pm IST)