Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગુજરાત ટાઈટન્સ ટીમ ફાઇનલમાં પહોંચી:રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું :મિલરે અંતિમ ઓવરમાં ત્રણ દડામાં ત્રણ વિનિંગ છગ્ગા ફટકાર્યા : હવે હોમ ગ્રાઉન્ડ પર ફાઇનલ મેચ રમશે

રાજસ્થાન રોયલ્સના 189 રનના જવાબમાં ગુજરાતની ટીમે 19.3 ઓવરમાં 3 વિકેટે 191 રન ફટકારી વિજય હાંસલ કર્યો: મિલરે 38 બોલ પર અણનમ 68 રન અને હાર્દિકે 27 બોલ પર 5 ચોગ્ગાની મદદથી 40 રન ફટકાર્યા

કોલકતા :  IPL 2022નાં પ્લે ઓફની જંગ આજથી શરુ થઇ રહી છે. આ જંગ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ પર થઇ હતી. આજના પહેલા ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સની ટીમને 7 વિકેટથી હરાવી છે. ત્યારે આ જીત સાથે જ ગુજરાત ટાઈટન્સ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 19.3 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા ગુજરાત ટાઇટન્સની ટીમને અંતિમ  20મી ઓવરમાં 16 રન જોઈતા હતા અને મિલરે પ્રસિદ્ધ કૃષ્ણાના શરૂઆતના ત્રણ દડામાં ત્રણ છગ્ગા ફટકારી મેચ ગુજરાતની ઝોળી નાખી દીધો હતો . 

રાજસ્થાન તરફથી જોસ બટલરે 89 રનની ઇનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. ત્યારે કેપ્ટન સંજૂ સેમસને 47 રનનું યોગદાન આપ્યું. ગુજરાત ટાઇટન્સ માટે આર.સાઈ કિશોર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને યશ દયાલે એક-એક વિકેટ ઝડપી. મેચમાં ગુજરાતની ફિલ્ડિંગ ઘણી ખરાબ રહી અને તેમણે બટલરને ત્રણ વખત જીવનદાન આપ્યું

ગુજરાતની જીતના હીરો ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યા રહ્યા. મિલરે 38 બોલ પર અણનમ 68 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ રહ્યા. ત્યારે હાર્દિકે 27 બોલ પર 5 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. ગુજરાતની ટીમ હવે 29 મેના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફાઇનલ મેચ રમશે.

(12:29 am IST)