Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મેચમાં ભારતના ચાર ખેલાડી યજમાન ટીમ માટે રમશે

ભારત લીસેસ્ટરશાયરની પ્રેક્ટિસ મેચ : યજમાન ટીમ માટે રમનાર ૪ ખેલાડી ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા છે

બર્મિંઘમ, તા.૨૩ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧ જૂલાઈથી એકમાત્ર ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે. આ મહત્વના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાને આજે એટલે કે, ૨૩ જૂનથી ૪ દિવસની પ્રેક્ટિસ મેચ રમવાની પણ તક મળશે.

ભારત આ મેચ લીસેસ્ટરશાયરની સામે રમશે. રસપ્રદ વાત એ છે કે, ટીમ ઈન્ડિયાએ આ મુકાબલામાં પોતાના ૪ ખેલાડીઓને વિપક્ષી ટીમમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. આ ૪ ખેલાડીઓ- ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા છે.

આ તમામ લીસેસ્ટરશાયર તરફથી સેમ ઈવાન્સની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા સામે પ્રેક્ટિસ મેચમાં રમશે.

આ નિર્ણય ભારતીય ટીમના બધા સદસ્યોને મેચની પ્રેક્ટિસ કરાવવા માટે લેવામાં આવ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧થી ૫ જૂલાઈ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે આ એકમાત્ર પ્રેક્ટિસ મેચ હશે. આ ટેસ્ટ મેચ છેલ્લા વર્ષની સીરિઝની પાંચમી સ્થગિત મેચ છે. ભારત આ સીરિઝમાં ૨-૧થી આગળ છે.

લીસેસ્ટરશાયર ક્લબ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે એલસીસીસી, બીસીસીઆઈ અને ઈસીબીતમામ પ્રવાસી ટીમના ચાર ખેલાડીઓને રનિંગ ફોક્સ ટીમનો ભાગ બનવાની મંજૂરી આપવા માટે સંમત થયા છે જેથી ટીમના તમામ સભ્યો પ્રેક્ટિસમાં ભાગ લઈ શકે.

ક્લબ તરફથી એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રેક્ટિસ મેચમાં બંને ટીમો તરફથી ૧૩-૧૩ ખેલાડીઓ ભાગ લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, વધુ ફ્લેક્સિબિલીટી પ્રદાન કરવા અને બોલિંગ વર્કલોડને સંચાલિત કરવામાં મદદ કરવા માટે બંને બાજુના ૧૩ ખેલાડીઓ સાથે મેચ રમાશે.

બંને ટીમો આ પ્રકારે છેઃ ભારતઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમમ્દ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

લીસેસ્ટરશાયર સીસીસીઃ સેમ ઈવાન્સ (કેપ્ટન), રેહાન અહમદ, સેમ બેટ્સ, નેટ બોલી, વિલ ડેવિસ, જોય એવિસન, લુઈસ કિમ્બર, અબી સકાંડે, રોમન વોકર, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જશપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

(8:13 pm IST)