Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ટી-૨૦ વર્લ્ડકપનું એન્થમ સોન્ગ લોન્ચ : વિરાટ અને પોલાર્ડ અલગ અવતારમાં જોવા મળ્યા

નવી દિલ્હી તા. ૨૪ : આઈસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ આઈપીએલ ૨૦૨૧ પછી તરત જ શરૂ થશે. ચાહકો આ ટૂર્નામેન્ટની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ટી ૨૦ વર્લ્ડ કપ માટે સત્તાવાર એન્થમ સોન્ગ લોન્ચ કર્યું છે.

આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓકટોબરથી ૧૪ નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં રમાશે. ટી ૨૦ વર્લ્ડકપના આ ગીતમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડ નવા અવતારમાં જોવા મળ્યા હતા. બોલીવુડના સંગીત દિગ્દર્શક અમિત ત્રિવેદીના સંગીત નિર્દેશનમાં બનેલી એનિમેટેડ ફિલ્મમાં વિશ્વભરના યુવા ટી ૨૦ ચાહકો અને રમતના કેટલાક દિગ્ગજ કલાકારો છે.

કોહલી અને પોલાર્ડ ઉપરાંત અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ પણ એન્થમ સોન્ગમાં અલગ અવતારમાં જોવા મળશે.

આઈસીસી દ્વારા પોલાર્ડને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ટી ૨૦ ક્રિકેટે સાબિત કર્યું છે કે, તે તેના ચાહકોને આકર્ષવા માટે સતત નવીનતા લાવે છે. વિશ્વભરમાં જેટલા લોકો આ ટુર્નામેન્ટ જોશે, તેમનું દુબઈમાં મનોરંજન કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.

મેકસવેલે કહ્યું, આઈસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ખૂબ જ કઠિન અને મનોરંજક બનવાનો છે. આ ટ્રોફીને લાયક ઘણી ટીમો છે. દરેક મેચ ફાઇનલ જેવી હશે. અમે તેને વહેલી તકે શરૂ કરવા માંગીએ છીએ. કોવિડ -૧૯ રોગચાળા પછી, વિશ્વના ૧૬ દેશો સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેશે.આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓકટોબરથી યુએઇમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ૧૬ ટીમો ભાગ લેશે. જયારે આ ટુર્નામેન્ટની અંતિમ મેચ ૧૬ નવેમ્બરે રમાશે. વાસ્તવમાં આ ટુર્નામેન્ટ આઈપીએલ ફાઇનલના થોડા દિવસો બાદ શરૂ થશે. આ ટુર્નામેન્ટ ૧૫ ઓકટોબરે આઈપીએલ ફાઈનલ પછી તરત જ રમાશે.

(2:45 pm IST)