Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ક્રિકેટ બોર્ડે ૪ નેટ બોલર્સને સ્વદેશ પાછા બોલાવી લીધા

ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ભારતીય બોર્ડનું પગલું : ક્રિકેટ બોર્ડના કહેવા પર સ્પિનર કર્ણ શર્મા, શાહબાઝ અહેમદ, કે ગૌતમ, વેંક્ટેશ ઐય્યર પાછા ફરી ચૂક્યા છે

દુબઈ, તા.૨૩ : ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ યુએઈ અને ઓમાનની ધરતી પર ૧૭ ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. ટુર્નામેન્ટમાં આવતી કાલે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામને રહેશે. મેચ માટે ટીમ ઈન્ડિયા એકદમ તૈયાર છે અને તમામ ખેલાડીઓ ફિટ છે. વખતે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ એક મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયા છે. પરંતુ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ યુએઈથી ભારત પાછા ફર્યા છે.

ટી૨૦ વર્લ્ડકપ અગાઉ ભારતે ચાર નેટ બોલર્સને પાછા મોકલી દીધા છે. સ્પિનર કર્ણ શર્મા, શાહબાઝ અહેમદ, કે ગૌતમ અને વેંક્ટેશ ઐય્યર પાછા ફરી ચૂક્યા છે. બોર્ડના સિનિયર અધિકારીએ જણાવ્યું કે ટુર્નામેન્ટ શરૂ થયા બાદ એટલા બધા નેટ સત્ર નહીં હોય. રાષ્ટ્રીય સિલેક્ટર્સને લાગ્યું કે બોલર્સને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવાથી મેચ અભ્યાસ થશે. જે ચાર ફાસ્ટ બોલર્સને રોકવામાં આવ્યા છે તેમા આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ અને લુકમાન મેરિવાલા સામેલ છે.

ભારતીય ક્રિકેટ ટીમે કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે ટી૨૦ વર્લ્ડ કપની મેચ પહેલા વૈકલ્પિક અભ્યાસ સત્રમાં ભાગ લીધો. જેમાં મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીએ થ્રોડાઉન વિશેષજ્ઞની ભૂમિકા ભજવી જ્યારે હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી. પ્લેઈંગ ૧૧ માં પસંદગી માટે પાંડ્યાની બોલિંગ દુવિધાનો વિષય બનેલી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી અભ્યાસ મેચોમાં તે બેટિંગમાં કોઈ કમાલ કરી શક્યો નહતો. ધોની શુક્રવારે થ્રોડાઉન વિશેષજ્ઞો રાઘવેન્દ્ર, નુવાન અને દયાનંદની મદદ કરતો જોવા મળ્યો.

ટીમ ઈન્ડિયા ટી૨૦ વર્લ્ડ કપના પોતાના પહેલા મુકાબલામાં સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનનો સામનો કરવાની છે. મેચ ૨૪ ઓક્ટોબર એટલે કે કાલે રમાશે. ભારતીય ટીમ આજ સુધી વર્લ્ડ કપમાં ક્યારેય પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મેચ હારી નથી અને આગામી મેચમાં પણ તે પોતાની લીડ જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.

(7:35 pm IST)