Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાની વિકેટ ઝડપથી પડી ગઇ અને ભારતને ન્‍યુઝીલેન્‍ડ સામે હારનો સામનો કરવો પડયોઃ સચિન તેંડુલકરનો મત

સાઉથમ્પ્ટનઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શળનને કારણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને દિગ્ગજ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરએ જણાવ્યું કે, આખરે ટીમ ઈન્ડિયાએ કેમ પરાજયનો સામનો કરવો પડ્યો.

સચિન તેંડુલકરનું નિવેદન

સચિન તેંડુલકરે કહ્યુ કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ત્રીજા ક્રમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ બે ઓવરના અંતરમાં પડવાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર પૂર્વ ખેલાડીએ કહ્યું કે, બ્લેકકેપના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડ શાનદાર ટીમ છે.

તેંડુલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે બ્લેક કેપ્સને શુભેચ્છા. તે સારી ટીમ હતી. સચિને આગળ લખ્યુ- ટીમ ઈન્ડિયા પોતાના પ્રદર્શનથી નારાજ હશે. જેમ મેં ઉલ્લેખ કર્યો હતો કે પ્રથમ 10 ઓવર મહત્વપૂર્ણ હશે અને ભારતે કોહલી અને પુજારા બન્નેને 10 બોલમાં ગુમાવી દીધા. તેનાથી ટીમ પર વધુ દબાવ આવી ગયો હતો.

મહત્વનું છે કે કોહલી અને પુજારા બન્ને કાઇલ જેમીસનનો શિકાર બન્યા હતા. તેને છઠ્ઠા દિવસે પણ પિચમાંથી મદદ મળી, જે રિઝર્વ ડે હતો. તેણે 35મી ઓવરના પાંચમાં બોલ પર કોહલી અને 37મી ઓવરના ત્રીજા બોલ પર પુજારાને આઉટ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય

ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 217 તો બીજી ઈનિંગમાં 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમસન અને રોસ ટેલરની 96 રનની ભાગીદારીથી 2 વિકેટના ભોગે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

(4:47 pm IST)