Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

એન્ડર્સન ૬૦૦ વિકેટ ઝડપનારો ફાસ્ટ બોલર બન્યો

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડર્સન પાકિસ્તાન સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટના અંતિમ દિવસે પ્રથમ ઇનિંગ્સના સેન્ચુરિયન અઝહર અલીને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 600 વિકેટ ઝડપનારો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે. તેણે 156 ટેસ્ટમાં સિદ્ધિ મેળવી છે. તેણે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટ મેળવ્યા બાદ તેને બીજી ઇનિંગ્સમાં ફક્ત બે વિકેટની જરૂર હતી, જે તેણે મેળવી હતી.

એન્ડર્સને જ્યારે મેકગ્રાનો 563 વિકેટોના વિક્રમને વટાવ્યો ત્યારે માનવામાં આવતું હતું કે તે 600 વિકેટનો વિક્રમ પણ સર્જશે. હવે તેનાથી આગળ ફક્ત ત્રણ બોલરો, અનિલ કુંબલે 619 વિકેટ, શેન વોર્ન 708 વિકેટ અને મુરલીધરન 800 વિકેટ છે. તેથી હવે તે અનિલ કુંબલેને વટાવીને સરળતાથી બીજા ક્રમે આવી જાય તેમ મનાય છે. ઉપરાંત તેણે ફાસ્ટ બોલર તરીકે સૌથી વધારે ટેસ્ટ રમવાની સિદ્ધિ પણ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ફાસ્ટ બોલર 156 ટેસ્ટ રમ્યો નથી. એન્ડર્સનને વન-ડે અને ટી-20માંથી નીકળી જઈને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય ફળ્યો છે.

(12:56 am IST)