Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ પીચ વિવાદ મુદ્દે ઍમ.ઍસ. ધોની ક્રિકેટ ઍકેડમીના કોચ રવિરાજ પાટીલે કહ્યું, હોમ ઍડવાન્ટેજનો લાભ લેવાનો સૌને અધિકાર છે

અમદાવાદ : અમદાવાદમાં નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચે વિવાદ જગાવ્યો છે. આ સ્ટેડિયમમાં પિચને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે કહ્યું કે, પિચ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય હતી કે નહિ તેનો જવાબ પ્લેયર ન આપી શકે. આ મામલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સંસ્થા જ જવાબ આપી શકે.

ક્રિકેટ ચાહકો નિરાશ થયા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી પિંક બોલ - ડે નાઈટ ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં પૂર્ણ થતાં ક્રિકેટ ચાહકોમાં એક તરફ ઉત્સાહ તો બીજી તરફ રોષ જોવા મળ્યો છે. માત્ર બે દિવસમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને પરાજય આપતા ક્રિકેટ ચાહકોમાં ખુશી જોવા મળી. તો ટેસ્ટ મેચની ત્રીજા, ચોથા અને પાંચમા દિવસની ટિકિટ ખરીદનાર ક્રિકેટચાહકો નિરાશ થયા છે. ટેસ્ટ મેચના પાંચ સેશન્સમાં 30 વિકેટ પડતા બીજા દિવસના છઠ્ઠા અને અંતિમ સેશનમાં ભારતે 10 વિકેટે શાનદાર જીત મેળવી છે. પિંક બોલ ટેસ્ટમાં સ્વિંગ બોલિંગના બદલે સ્પિનર્સનો દબદબો રહ્યો. 30માંથી 28 વિકેટ સ્પિનર્સે ઝડપી, તો 20 બેટ્સમેન સીધા બોલ પર આઉટ થયા હતા. ત્યારે પિચ પર ઉઠેલા વિવાદ અંગે એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમીના કોચ રવિરાજ પાટીલે મહત્વની વાત કરી છે.

હોમ એડવાન્ટેજનો લાભ લેવાનો સૌને અધિકાર

રવિરાજ પાટીલે કહ્યું કે, હોમ એડવાંટેજનો લાભ લેવાનો સૌને અધિકાર છે. આપણે વિદેશમાં જઈએ છીએ ત્યારે આપણને સ્પિન ટ્રેક નથી મળતા, વિદેશી ટીમો એમની રીતે પિચ બનાવે છે. ઇંગ્લેન્ડે ટોસ જીત્યો બેટિંગ લીધી, પણ તેમની ટીમ સ્પિન બોલિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં. એ જ પિચ પર ભારત પણ રમ્યુ અને 10 વિકેટે જીત્યું. ભારતમાં ટેસ્ટ મેચ હોય ત્યારે ટોસ જીતો મેચ જીતો એક મંત્ર માનવામાં આવે છે, પણ ઇંગ્લેન્ડે ભૂલો કરી અને પરિણામ ભોગવ્યું છે.

ઈંગ્લેન્ડે ટીમ સિલેક્શનમાં ભૂલ કરી

ઈંગ્લેન્ડની ભૂલ પર તેમણે પ્રકાશ પાડતા કહ્યું કે, ટીમ સિલેક્શન કરવામાં ઇંગ્લેન્ડ ભૂલ કરી, ભારતે 3 સ્પિનર્સ રમાડ્યા. પણ ઇંગ્લેન્ડે 3 ફાસ્ટ બોલર્સ અને એક જ સ્પિનર રમાડ્યો. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટએ સ્પિન બોલિંગ કરીને 5 વિકેટ લીધી. જો કે આ રીતે બે દિવસમાં ટેસ્ટ પૂર્ણ ના થવી જોઈએ. 4 દિવસ કમ સે કમ ટેસ્ટ ચાલે તેવી વિકેટ હોવી જોઈએ. પણ પીચ પર ઓછું પાણી છાંટીને ઘાસ દૂર કરીને આવી વિકેટ તૈયાર થાય છે, જેના કારણે સ્વિંગના બદલે સ્પિનનો દબદબો જોવા મળ્યો.

(5:28 pm IST)