Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઓલ રાઉન્ડર યૂસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

2007માં ટી-20 વર્લ્ડકપ અને 2011માં 50 ઓવર વર્લ્ડકપ જીતની યાદગાર સિદ્ધિ

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર યૂસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. પઠાણ 2007માં ટી-20 વર્લ્ડકપ અને 2011માં 50 ઓવર વર્લ્ડકપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા યૂસુફ પઠાણે ટ્વીટ કરી સંન્યાસની જાહેરાત કરી હતી.

 યૂસુફ પઠાણે ભારત માટે 57 વન ડે મેચમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા હતા. બીજી તરફ 22 ટી-20 મેચમાં તેના નામે 236 રન છે, તેમણે વન ડેમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. યૂસુફ પઠાણે વન ડેમાં 33 અને ટી-20માં 13 વિકેટ પોતાના નામે કરી છે.

યૂસુફ પઠાણે ટ્વીટમાં લખ્યુ કે, મને યાદ છે જે દિવસે મે પ્રથમ વખત ભારતની જર્સી પહેરી હતી, મે જ તે જર્સી પહેરી નહતી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્ર અને પુરા દેશે પહેરી હતી. મારૂ બાળપણ, જીવન ક્રિકેટની આજુ બાજુ વિત્યુ અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલુ અને આઇપીએલ ક્રિકેટ રમ્યો પરંતુ આજે કઇક અલગ છે

 

તેમણે આગળ લખ્યુ, આજે કોઇ વર્લ્ડકપ અથવા આઇપીએલ ફાઇનલ નથી પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. ક્રિકેટર તરીકે મારી કરિયર પર પૂર્ણ વિરામ લાગી રહ્યુ છે. હું ઓફિશિયલ રીતે સંન્યાસની જાહેરાત કરૂ છું. યૂસુફ પઠાણની ઓળખ વિસ્ફોટક બેટ્સમેન તરીકેની રહી છે.

IPLમાં યૂસુફ પઠાણે 2010માં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ 37 બોલમાં સદી ફટકારી હતી. આ આઇપીએલ ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે. આઇપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, તેણે 30 બોલમાં સદી ફટકારી હતી.

યૂસુફ પઠાણે 2007ના ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ડેબ્યૂ કર્યુ હતું. 2012માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી મેચમાં ટી-20 કરિયરની અંતિમ મેચ હતી. બીજી તરફ 2008માં તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ મેચથી પોતાની વન ડે કરિયરનો પ્રારંભ કર્યો હતો. યૂસુફ પઠાણ ભારત માટે અંતિમ વન ડે 2012માં રમાઇ હતી.

(7:11 pm IST)