Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભુવીની ૨૫૦ વિકેટઃ ટી-૨૦માં શ્રીલંકા સામે ભારતની ૧૩મી જીત

દીપક ચહરનો ડબલ એટેક મેચનો ટર્નિંગ પોઈન્ટ બન્યોઃ નવોદીત વરૂણે પણ વિકેટ લીધી

નવીદિલ્હીઃ ભારત અને શ્રીલંકા T20 સિરીઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ ૩૮ રનથી જીતી લીધી છે. શ્રીલંકાએ ટોસ જીતીને ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે સૂર્યકુમાર યાદવની ફિફ્ટી અને શિખરના ૪૬ રનની સહાયતાથી ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકન ટીમ ૧૨૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

૧૬મી ઓવરમાં દીપક ચહરે ભારત ટીમને ગેમમાં કમબેક કરાવ્યું હતું. એ સમયે અસલંકા ૨૬ બોલમાં ૬ સિકસ અને ૩ ફોર મારી ૪૪ રન પર રમી રહ્યો હતો, પરંતુ ચહરે એેને શૉનાં હાથે કેચ આઉટ કરાવીને જીતનો દરવાજો ખોલ્યો હતો. દીપકે ૧૬મી ઓવરના ૫મા બોલ પર હસરંગાને કિલન બોલ્ડ કરીને શ્રીલંકા ટીમની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. ભુવનેશ્વર કુમારે પણ પોતાની છેલ્લી ૨ ઓવરમાં ૩ વિકેટ લઈને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

  ભુવનેશ્વર કુમારે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૨૫૦ વિકેટ લીધી. એણે ટેસ્ટ ફોર્મેટમાં ૬૩, વનડેમાં ૧૪૧ અને T20માં ૪૬ વિકેટ લીધી છે.

અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ ૧૯ T20 મેચ રમાઈ છે. જેમાંથી ૧૩ મેચ ઈન્ડિયા અને ૫ મેચ શ્રીલંકાએ જીતી છે.

(12:52 pm IST)