Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

હોકીમાં ભારતે સ્પેનને ૩-૦ થી પછાડયું

હવે ઓલિમ્પિક રમતોત્સવમાં શૂટિંગની સ્પર્ધામાં મનુ-સૌરભની જોડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે : રૂપિંદરપાલસિંહે બે ગોલ ફટકાર્યાઃ હવે ૨૯મીએ આર્જેન્ટીના સામે મુકાબલો

નવી દિલ્હીઃ   ઓલિમ્પિક રમતોનો આજે પાંચમો દિવસ છે. આજે ભારતનાં શૂટરોએ તેમની પ્રતિભા દર્શાવીને રમતની શરૂઆત કરી હતી. આ દરમ્યાન ભારતની મનુ પ્રભાકર અને સૌરભ ચૌધરી અને અભિષેક વર્મા અને યશસ્વિની દેશ્વાલની જોડીએ સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો. જેમાંથી યશસ્વિની-અભિષેકની જોડી હાર્યા બાદ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ મનુ-સૌરભની જોડીએ આ સ્પર્ધા જીતીને આગળનાં રાઉન્ડમાં પ્રવેશ કર્યો. હવે ઓલિમ્પિક રમતોત્સવમાં શૂટિંગની સ્પર્ધામાં મનુ-સૌરભની જોડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વળી બીજી તરફ હોકીમાં ટીમ ઈન્ડિયાએ સ્પેનને ૩-૦ થી મહાત આપી છે.

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની આશા જાળવી રાખી છે. ટીમે તેની ત્રીજી મેચમાં સ્પેનને ૩-૦થી હરાવ્યું છે. રુપિંદર પાલ સિંહે બે ગોલ કર્યા હતા. અગાઉની મેચમાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે ૧-૭ થી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે હારમાંથી બહાર નીકળી અને શાનદાર જીત નોંધાવી છે. ટીમે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને ૩-૨થી પરાજિત કર્યું હતું. આ ટીમ ૨૯ જુલાઈનાં રોજ ચોથી મેચમાં સુવર્ણચંદ્રક વિજેતા આર્જેન્ટિનાની ટીમની વિરુદ્ધ મુકાબલો કરશે.

મેચમાં ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. પ્રથમ કવાર્ટરનાં અંતે ટીમે સ્પેન પર દબાણ વધાર્યું હતું. સિમરનજીતસિંહે ૧૪ મી મિનિટમાં ગોલ કરીને ટીમને ૧-૦ ની લીડ અપાવી હતી. ત્યારબાદ ૧૫ મી મિનિટમાં રુપિંદર પાલ સિંહે ગોલ કરી સ્કોરને ૨-૦ કર્યો હતો. બંને ટીમો બીજા કવાર્ટરમાં ગોલ કરી શકી ન હોતી. હાફ ટાઇમ સુધીમાં ભારતીય ટીમ ૨-૦થી આગળ હતી.

(11:42 am IST)