Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મીરાબાઇનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગતઃ ટવીટ કરી રહયું આટલા પ્રેમ અને સમર્થન વચ્ચે પાછા ફરીને ખુશ છું, આભાર

ચીનના ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જશે તો ભારતને ગોલ્ડ મળશે : ચાનુને બે કરોડનું ઇનામ મળશેઃ મણિપુરના એડિશ્નલ એસ.પી. બનાવાશે

નવી દિલ્હીઃ  વેઇટલિફ્ટર ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઇ ચાનુને દેશમાં પરત ફરતાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આ ગૌરવશાળી મહિલાનું બહુમાન કર્યું હતું. બીજી બાજુ મણિપુર સરકારે મીરાબાઇને રાજ્ય પોલીસ વિભાગમાં એએસપી તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. રાજ્યસરકાર મીરાબાઇને  એક કરોડનું ઇનામ પણ આપશે.

 ચાનુ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ભારે સલામતી બંદોબસ્ત સાથે બહાર નીકળ્યા હતા. તેઓ ચહેરા પર શીલ્ડ અને માસ્ક પહેર્યા હતા. એરપોર્ટ પર મળેલા ભારે સત્કારથી ગળગળા થઇ ગયેલા મીરાબાઇએ ટ્વિટ કર્યું હતું કે 'આટલા પ્રેમ અને સમર્થન વચ્ચે પાછું ફરીને ખુશ છું. આભાર.' એરપોર્ટની અંદર ૨૬ વર્ષીય ચાનુને લોકોએ 'ભારત માતા કી જય' જેવા ઉચ્ચારથી વધાવી લીધા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓના અધિકારીઓએ તેમનું સન્માન કર્યું હતું. મણિપુરની આ ૪૯ કિલોગ્રામની ખેલાડીએ કુલ ૨૦૨ કિલોગ્રામ (87+115 kg) વજન ઉંચકીને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેને  જાહેરાત કરી હતી કે વેઇટલિફ્ટર મીરાબાઇને રાજ્ય પોલીસ વિભાગમાં એડીશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નિમણૂક અપાશે.

 ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ શાનદાર દેખાવ કરી ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનુને હવે ગોલ્ડ મેડલ મળે તેવી શક્યતાઓ સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરનારી ચીનની ખેલાડી હોઉ જિહુઈ ડોપિંગની આશંકામાં સપડાઈ છે. એન્ટિ ડોપિંગ એજન્સીએ હોઉને સેમ્પલ-બીના ટેસ્ટિંગ માટે હાજર થવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ચીનની ખેલાડીનું સેમ્પલ-એ પણ કલીન નથી. હોઉ  સ્વદેશ પરત જવાની હતી, પરંતુ તેને ત્યાં રોકાઈ જવા જણાવાયું છે. ડોપિંગમાં ફેલ થવાને કારણે ખેલાડીનો પદક છીનાવાયો હોય અને બીજા ક્રમના ખેલાડીને તે અપાયો હોય તેવી ઘટના ઓલિમ્પિકના ઈતિહાસમાં અગાઉ પણ બની ચુકી છે. જો ચીનની ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જશે તો ભારતને  ગોલ્ડ મેડલ મળશે.

(3:40 pm IST)