Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ઇંગ્‍લેન્‍ડના પ્રવાસમાં વિરાટ કોહલીના વર્તન સામે સિનીયર ખેલાડીએ બીસીસીઆઇને ફરિયાદ કરતા ખળભળાટઃ પ્રેરણાદાયક કેપ્‍ટન ન રહ્યો હોવાનો આક્ષેપ

ખેલાડીઓ વિરાટને પસંદ ન કરી રહ્યા હોવાની ચર્ચા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ T20ની કપ્તાની છોડવાનું એલાન કરીને સૌને ચોંકાવી દીધા હતાા.

વિરાટ કોહલી 2021 ટી 20 વર્લ્ડ કપ બાદ કપ્તાની છોડી દેશે. વિરાટ કોહલી માટે આ સમય જાણે સારો નથી ચાલી રહ્યો. ઇંગ્લેન્ડના પ્રવાસ પર કોહલીના વર્તનને લઇને ટીમ ઇન્ડિયાના એક સિનીયર ખેલાડીએ BCCIને ફરિયાદ કરી હતી.

કોહલી વિરુદ્ધ વિદ્રોહ

એક રિપોર્ટ અનુસાર થોડા મહિના પહેલા ટીમ ઇન્ડિયામાં વિરાટ વિરુદ્ધ વિદ્રોહ શરૂ થઇ ગયો હતો. કોઇ સિનીયર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં વિરાટના વર્તનને લઇને નારાજ હતો. BCCIને ફરિયાદ પણ કરી હતી. હજુ સુધી તે સામે નથી આવ્યું કે, આ ખેલાડી કોણ હતો.

કોહલીને પસંદ નથી કરતા ખેલાડીઓ

થોડા સમય પહેલા માહીતી મળી હતી કે, કોહલી નિયંત્રણ ગુમાવી રહ્યો છે. તેણે સન્માન ગુમાવી દીધુ છે અને કેટલાક ખેલાડીઓને તેનું વર્તન ગમી રહ્યું નથી. તે હવે એક પ્રેરણાદાયક કેપ્ટન રહ્યો નથી. જ્યારે તે કોઇ પણ નિર્ણય લે ત્યારે તે પોતાની લિમિટ ક્રોસ કરી દે છે.

નાકામ કોહલી

છેલ્લા કેટલાક સમયથી કોહલી સારું પ્રદર્શન કરી રહ્યો નથી. કેટલાક લોકોએ તેને સજેશન આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોહલીએ કહ્યું કે 'મને કન્ફ્યુઝ ના કરો'

વિરાટ સાથે કમ્યૂનિકેશનની સમસ્યા

એક પૂર્વ ખેલાડીએ કહ્યું હતું કે વિરાટ સાથે કમ્યૂનિકેશનની સમસ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીના કેસમાં તેનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો હતો અને કોઇ પણ ખેલાડી અંદર જઇ શકતો હતો. વીડિયો ગેમ રમી શકતો હતો, ખાઇ શકતો હતો અને ક્રિકેટની વાત પણ કરી શકતો હતો પરંતુ કોહલીનો મેદાનની બહાર સંપર્ક કરવો ખુબ મુશ્કેલ છે.

કોહલી નથી આપતો ખેલાડીઓનો સાથ

પૂર્વ ખેલાડીએ આગળ કહ્યું કે, જ્યાં સુધી જુનિયર ખેલાડીઓની વાત છે કોહલી વિરુદ્ધ સૌથી મોટી ફરિયાદ તે છે કે તે મુશ્કેલ સમયમાં તેમને છોડી દે છે. ઓસ્ટ્રેલિયામાં જ્યારે 5 વિકેટ બાદ કુલદીપ યાદવ યોજનાઓથી બહાર થઇ ગયો હતો અને પંત પણ ખરાબ ફોર્મમાં હતો ત્યારે તેમની સાથે પણ એવું જ થયું હતું.

(5:10 pm IST)