Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અશ્વિને ૪૧૬ વિકેટ સાથે અકરમનો રેકોર્ડને તોડ્યો

કાનપુર ટેસ્ટમાં ભારતીય સ્પિનરે ઈતિહાસ સર્જ્યો : ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવા મામલે ભારતનો રવિચંદ્રન અશ્વિન હવે ૧૪મા નંબરે પહોંચી ગયો

નવી દિલ્હી, તા.૨૭ : ભારતના ટોપ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શનિવારે કાનપુર ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈતિહાસ સર્જ્યો છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૪૧૫મી વિકેટ લીધી અને આ સાથે જ તેમણે પાકિસ્તાનના દિગ્ગજ વસીમ અકરમને આ મામલે પાછળ છોડી દીધો છે. અશ્વિનની કુલ ૪૧૬ વિકેટ થઈ ગઈ છે.

ખાસ વાત એ છે કે, અશ્વિને આ કમાલ પોતાની માત્ર ૮૦મી ટેસ્ટ મેચમાં જ કરી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવા મામલે રવિચંદ્રન અશ્વિન હવે ૧૪મા નંબરે પહોંચી ગયો છે. જ્યારે પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહની ૪૧૭ વિકેટના રેકોર્ડથી અશ્વિન હવે ફક્ત ૨ વિકેટ જ દૂર રહી ગયો છે. રવિચંદ્રન અશ્વિન- ૮૦ મેચ, ૪૧૬ વિકેટ, વસીમ અકરમ- ૧૦૪ મેચ, ૪૧૪ વિકેટ.

રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટ રેકોર્ડઃ ૮૦ મેચ, ૪૧૬ વિકેટ, ૨૪.૬૩ સરેરાશ, ૫ વિકેટ ૩૦ વખત, ૧૦ વિકેટ ૭ વખત.

ભારત માટે સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેનારાઓમાં અનિલ કુંબલે- ૬૧૯ વિકેટ, કપિલ દેવ- ૪૩૪ વિકેટ, હરભજન સિંહ- ૪૧૭ વિકેટ, રવિચંદ્રન અશ્વિન- ૪૧૬ વિકેટનો સમાવેશ થાય છે. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ૨૦૨૧ના વર્ષમાં ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેવા મામલે રવિચંદ્રન અશ્વિનનું નામ હવે સૌથી ઉપર છે. ૨૦૨૧ના વર્ષમાં રવિચંદ્રન અશ્વિનની ૪૦ વિકેટ થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાનના શાહીન આફરિદીની ૩૯ વિકેટ છે.

જો એક્ટિવ ક્રિકેટર્સની વાત કરીએ તો સૌથી વધારે વિકેટ મામલે રવિચંદ્રન અશ્વિન નંબર-૩ પણ આવે છે. હાલ ફક્ત જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ જ એવા ખેલાડી છે જે હાલ રમી રહ્યા છે અને ટેસ્ટમાં તેમની ઘણી વિકેટ છે. તેમના પછી રવિચંદ્રન અશ્વિનનો જ નંબર આવે છે.

(9:13 pm IST)