Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

આઇપીઍલ ક્રિકેટ મેચમાં સૌથી ઓછા બોલમાં ૫ હજાર બનાવવાનો રેકોર્ડ રૉયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરના આક્રમક બેટ્સમેન ઍબી ડિવિલિયર્સના નામે

અમદાવાદ: રૉયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરના બેટ્સમેન અને મિ.360 ડિગ્રી તરીકે ઓળખાતા એબી ડિવિલિયર્સે દિલ્લી કેપિટલ્સ સામે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ડિવિલિયર્સે દિલ્લી કેપિટલ્સ સામે શાનદાર ઈનિંગ્સ રમીને સૌથી ઝડપી 5000 IPL રન (સૌથી ઓછા બોલ)માં બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે 150થી વધારેના સ્ટ્રાઈક રેટની સાથે IPLમાં 5000 રનનો આંકડો સ્પર્શ કરનાર એકમાત્ર ખેલાડી છે. સાથે જ ડિવિલિયર્સ આઈપીએલમાં ડેવિડ વોર્નર પછી આ આંકડા સુધી પહોંચનારો બીજો વિદેશી બેટ્સમેન છે.

ડિવિલિયર્સનો અનોખી સિદ્ધિ:

37 વર્ષના ડિવિલિયર્સે IPL-14ની 22મી મેચમાં દિલ્લી કેપિટલ્સ (DC) સામે આ સિદ્ધિ મેળવી. ડિવિલિયર્સે 42 બોલમાં અણનમ 75 રનની તોફાની ઈનિંગ્સ રમી. જેમાં 3 ફોર અને 5 સિક્સ ફટકારી. એબી ડિલિવર્સ 3288 બોલમાં 5000નો આંકડો સ્પર્શ કર્યો છે. ડેવિડ વોર્નરે 5000 રન સુધી પહોંચવા માટે 3554 બોલનો સામનો કર્યો. ડિવિલિયર્સના નામે હવે 175 મેચની 161 ઈનિંગ્સમાં 41.08ની એવરેજથી 5053 રન છે. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ સદી અને 40 અર્ધસદી છે.

5000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન:

એબી ડિવિલિયર્સ IPLમાં 5000 રન બનાવનાર ઓવરઓલ છઠ્ઠો બેટ્સમેન છે. RCBના કેપ્ટન વિરાટ કોહલીએ IPLમાં સૌથી વધારે રન બનાવ્યા છે. કોહલીના નામે અત્યાર સુધી 198 IPL મેચની 190 ઈનિંગ્સમાં 6041 રન છે. કોહલીએ આ રન 37.99ની એવરેજ અને 130.61ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. આ દરમિયાન કોહલીના બેટમાંથી 5 સદી અને 40 અર્ધસદી નીકળ્યા છે.

સુરેશ રૈના છે બીજા નંબરે:

IPLમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સુરેશ રૈના બીજા નંબરે છે. મિસ્ટર આઈપીએલ રૈનાએ અત્યાર સુધી 198 મેચની 193 ઈનિંગ્સમાં 33.16ની એવરેજથી 5472 રન બનાવ્યા છે. આ દરમિયાન રૈનાના બેટમાંથી એક સદી અને 39 અર્ધસદી નીકળી છે. સુરેશ રૈનાએ IPLમાં સૌથી પહેલાં 5000 રન બનાવ્યા હતા.

આ યાદીમાં કોણ-કોણ છે:

દિલ્લી કેપિટલ્સના ઓપનર શિખર ધવન આ યાદીમાં ત્રીજા નંબરે છે. ધવને અત્યાર સુધી 182 મેચની 181 ઈનિંગ્સમાં 34.78ની એવરેજથી 5462 રન બનાવ્યા છે. આ દરમિયાન ધવને બે સદી અને 43 અર્ધસદી બનાવી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 205 મેચની 200 ઈનિંગ્સમાં 31.57ની એવરેજથી 5431 રન બનાવ્યા છે. રોહિત IPLમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં ચોથા ક્રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર 147 મેચમાં 5390 રનની સાથે પાંચમા ક્રમે છે.

સૌથી ઝડપી 5000 રન (સૌથી ઓછા બોલમાં)

1. એબી ડિવિલિયર્સ - 161 ઈનિંગ્સ, 3288 બોલ

2. ડેવિડ વોર્નર - 135 ઈનિંગ્સ, 3554 બોલ

3. સુરેશ રૈના- 173 ઈનિંગ્સ, 3620 બોલ

4. રોહિત શર્મા- 188 ઈનિંગ્સ, 3817 બોલ

5. વિરાટ કોહલી - 157 ઈનિંગ્સ, 3827 બોલ

6. શિખર ધવન - 168 ઈનિંગ્સ, 3956 બોલ

(4:58 pm IST)