Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

બેંગલોરના પેસર મોહમ્મદ સિરાઝે સૌથી વધુ સિક્સર આપી

આઈપીએલના ઈતિહાસની અનઈચ્છનીય ઘટના : આઈપીએલના ઈતિહાસમાં સિરાઝ સામે બેટસમેન્સે ૩૧, હસરંગા સામે ૩૦ સિક્સર આ સિઝનમાં ફટકારી

મુંબઈ, તા.૨૮ : આઈપીએલ ક્વોલિફાયર ૨માં જોસ બટલરે સદી રમીને સિદ્ધિ મેળવી તો બીજી તરફ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.  હકીકતમાં સિરાજ આઈપીએલના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા અપાવનાર બોલર બની ગયો છે. તેની સામે બેટ્સમેને આ સિઝનમાં કુલ ૩૧ છગ્ગા ફટકાર્યા છે. જોકે, હસરંગા સામે આ સિઝનમાં કુલ ૩૦ છગ્ગા ફટકાર્યા છે. વર્ષ ૨૦૧૮માં ડ્વેન બ્રાવો સામે કુલ ૨૯, વર્ષ ૨૦૧૫માં ચહલ સામે બેટ્સમેનોએ ૨૮ છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, આ સિઝનમાં બેટ્સમેનોએ ચહલ સામે ૨૭ છગ્ગા ફટકાર્યા છે.

એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન-બોલરઃ વર્ષ ૨૦૨૨માં મોહમ્મદ સિરાજ ૩૧ છગ્ગા, વર્ષ ૨૦૨૨માં વાનિંદુ હસરંગા ૩૦ છગ્ગા, વર્ષ ૨૦૧૮માં ડ્વેન બ્રાવો ૨૯ છગ્ગા, વર્ષ ૨૦૧૫માં યુઝવેન્દ્ર ચહલ ૨૯ છગ્ગા, વર્ષ ૨૦૨૨માં યુઝવેન્દ્ર ચહલ ૨૭ છગ્ગા. જોકે આ સિઝન સિરાજની બોલિંગ ઘણી એવરેજ રહી છે. એટલું જ નહીં, આ વર્ષે સિરાજનો ઈકોનોમી રેટ ૧૦.૦૭ રહ્યો છે જે IPL ઈતિહાસમાં બોલરની સૌથી ખરાબ ઈકોનોમી (ન્યૂનતમ ૫૦ ઓવર) છે. સિરાજ કોઈપણ T20 (ન્યુનતમઃ ૩૦૦ બોલ) ટૂર્નામેન્ટમાં ૧૦થી વધુના ઈકોનોમી રેટ સાથે બોલિંગ કરનાર ત્રીજો ખિલાડી બન્યો છે

(7:43 pm IST)