Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હવે આજે બીજો અને આવતીકાલે અંતિમ ટી-૨૦ મુકાબલો રમાશે

ટીમ ઈન્ડિયાને રાહતઃ કૃણાલ પંડયાના સંપર્કમાં આવેલા તમામ ૮ ખેલાડીઓના રિપોર્ટ નેગેટીવ : કૃણાલ સિરીઝમાંથી બહાર, કવોરેન્ટાઈન પીરીયડ પૂર્ણ કર્યા બાદ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ભારત પરત ફરશે : શો, સૂર્યા, હાર્દિક, ઈશાન, પડીકલ અને ગૌથમ આજનો અને આવતીકાલનો રમી શકશે નહીઃ આ ખેલાડીઓ કૃણાલ પંડયાની નજીક હતા

 કોલંબોઃ શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. તમામ ભારતીય ક્રિકેટરોના આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે.  કૃણાલના સંપર્કમાં આવેલા આઠ ભારતીય ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે બુધવાર ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી ૨૦ મેચ રમાશ અને આવતીકાલે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાશે.

કૃણાલ પંડ્યાને શ્રેણીમાંથી બહાર કરી દેવાયો હતો. તેને કફ અને ગળામાં દુખાવો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી ૨૦ મેચ ૨૭ જુલાઇએ યોજાવાની હતી, જે હવે ૨૮ જુલાઈએ યોજાશે. મેચ પહેલા ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કૃણાલનો રિપોર્ટ પોઝીટીવ આવતા તે  શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને હવે તેણે શ્રીલંકામાં રહીને પોતાનું કવોરેન્ટાઇન પૂર્ણ કરવું પડશે. આવી સ્થિતિમાં તે ટીમ સાથે પાછો ફરી શકશે નહીં.

શ્રીલંકાના હેલ્થ સેફ્ટી પ્રોટોકોલ અંતર્ગત કૃણાલ પંડ્યા ૩૦ જુલાઈએ બાકીની ટીમ ઈન્ડિયા સાથે ભારત પરત ફરી શકશે નહીં. ફરજિયાત કવોરેન્ટાઈન પીરીયડ પૂર્ણ કર્યા પછી નેગેટીવ આરટીપીઆર રિપોર્ટની રાહ જોવી પડશે.

(11:38 am IST)