Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ઋષભ પંતે તોડ્યો વિરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ : KKR સામે પરાજય છતાં પંતે એક રેકોર્ડ પોતાના નામે કર્યો

પંતે દિલ્હી માટે અત્યાર સુધી 79 મેચ રમી અને 2390 રન બનાવ્યા

મુંબઈ : દિલ્હી કેપિટલ્સના માટે સારો દિવસ ન હતો. તે IPL 2021 માં પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની શકી હોત. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હાર બાદ તે પાછળ રહી ગઇ છે. આ વિજય બાદ તે ટોચ પર પહોંચીને પ્લેઓફની ટિકિટ કાપી શકતી હોત. પરંતુ કોલકાતાએ તેને ત્રણ વિકેટથી હરાવીને એમ થવા દિધુ નહોતુ. પરંતુ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે  એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને વિરેન્દ્ર સહેવાગ ને પાછળ છોડી દીધો છે.

પંતે આ મેચમાં 36 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. આ સાથે તે IPL માં દિલ્હી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. પંતે દિલ્હી માટે અત્યાર સુધી 79 મેચ રમી છે અને 2390 રન બનાવ્યા છે. તેણે આ સમયગાળા દરમિયાન 148.35 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. તેણે દિલ્હી માટે 35.67 ની સરેરાશથી રન બનાવ્યા છે. આઇપીએલમાં તેના નામે એક સદી અને 14 અડધી સદી છે. પંત 2016 થી આ ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યો છે.

તેમના પહેલા આ રેકોર્ડ ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગના નામે હતો. સહેવાગે 2008 થી 2013 સુધી દિલ્હી માટે કુલ 86 મેચ રમી અને 2382 રન બનાવ્યા હતા. તેણે દિલ્હી માટે એક સદી અને 17 અડધી સદી ફટકારી હતી. સહેવાગે દિલ્હી કેપ્ટનશીપ પણ નિભાવી છે.

પંત અને સહેવાગ બાદ શ્રેયસ ઐય્યરનું નામ પણ આ યાદીમાં છે. જે ત્રીજા ક્રમાંકિત બેટ્સમેને દિલ્હી માટે અત્યાર સુધી 82 મેચ રમી છે અને 31.81 ની સરેરાશ સાથે 2291 રન બનાવ્યા છે. આ દરમિયાન ઐય્યરનો સ્ટ્રાઇક રેટ 125.67 રહ્યો છે. ઐય્યરે દિલ્હી માટે 16 અડધી સદી ફટકારી છે. ઐય્યર 2015 થી આ ટીમ માટે રમી રહ્યો છે.

(10:55 pm IST)