Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેયસ અય્યરે રચ્યો ઈતિહાસ

પ્રથમ ટેસ્ટમાં સદી-અડધી સદી ફટકારી પ્રથમ ભારતીય : શ્રેયસ સિદ્ધિ હાસિલ કરનાર ઓવરઓલ ૧૦મો ખેલાડી

કાનપુર, તા.૨૮ :  શ્રેયસ અય્યરે ટેસ્ટમાં મળેલી તકને બે હાથે ઝડપી લીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પર્દાપણ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર અય્યરે બીજી ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી છે. આ સાથે શ્રેયસે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે.

ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમનાર શ્રેયસ પર્દાપણ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. શ્રેયસ આ સિદ્ધિને હાસિલ કરનાર ઓવરઓલ ૧૦મો ખેલાડી છે. તેણે પ્રથમ ઈનિંગમાં ૧૦૫ રન બનાવ્યા હતા. અય્યરે ૧૦૯ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

૨૬ વર્ષીય શ્રેયસે પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાની સાથે પાંચમી વિકેટ માટે ૧૨૧ રન જોડ્યા હતા જ્યારે ચોથી વિકેટ પર રહાણેની સાથે ૩૯ રનની ભાગીદારી કરી હતી.

 બીજી ઈનિંગમાં અય્યરે અશ્વિન સાથે મળીને છઠ્ઠી વિકેટ પર ૫૨ રન જોડ્યા તો સાહાની સાથે સાતમી વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરી હતી. પર્દાપણ ટેસ્ટની બંને ઈનિંગમાં ૫૦ પ્લસ સ્કોર કરવાના મામલામાં અય્યર ત્રીજા નંબર પર છે. આ પહેલા દિલાવર હુસૈન અને સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.

ભારતીયોમાં પર્દાપણ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં અય્યર (૧૭૦ રવ, પ્રથમ ઈનિંગમાં ૧૦૫, બીજી ઈનિંગમાં ૬૫) ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે આ દરમિયાન લાલા અમરનાથનો રેકોર્ડ તોડ્યો છે.

અમરનાથે ૧૯૩૩/૩૪ માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૫૬ રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર શિખર ધવન છે. ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૦૧૨/૧૩ માં મોહાલીમાં ૧૮૭ રન જોડ્યા હતા તો રોહિત શર્માએ ૨૦૧૩/૧૪ માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોલકત્તામાં ૧૭૭ રન બનાવ્યા હતા.

(7:27 pm IST)