Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ન્યૂઝીલેન્ડને ભારતે ૨૮૪ રનોનો આપેલો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડને જીત માટે મુશ્કેલ ટાર્ગેટ મળ્યો : પ્રથમ ઈનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારનાર વિલ યંગને અશ્વિને માત્ર ૨ રનો પર જ આઉટ કરી દીધો હતો

કાનપુર, તા.૨૮ : ભારતીય ટીમે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ૭ વિકેટના નુકસાન પર ૨૩૪ રનો પર બીજી ઈનિંગ્સ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડને જીત માટે ૨૮૪ રનોનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં તમામ વિકેટ ગુમાવીને ૩૪૫ રન બનાવ્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ ૨૯૬ રનો પર અટકી ગઈ હતી. ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં સદી લગાવ્યા બાદ શ્રેયસ ઐય્યરે બીજી ઈનિંગ્સમાં ખુબ જ પ્રેશરની વચ્ચે હાફ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે ગળામાં દુઃખાવો હોવા છતાં પણ બેટિંગ કરવા માટે ઉતરેલાં રિદ્ધિમાન સાહાએ અણનમ હાફ સેન્ચુરી લગાવી હતી.

જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ ઈનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારનાર વિલ યંગને અશ્વિને માત્ર ૨ રનો પર આઉટ કરી દીધો હતો. આ ઉપરાંત આગામી ઓવરમાં જ સ્ટમ્પની જાહેરાત કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર દિવસના અંતે ૧ વિકેટ પર ૪ રન છે, જ્યારે તેને ૨૮૦ રનોની જરૂર છે.

ઐય્યરે ૧૨૫ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૫ રન બનાવ્યા હતા અને તેણે આર.અશ્વિન (૩૨ રન)ની સાથે છઠ્ઠી વિકેટ માટે ૫૨ રન જ્યારે રિદ્ધિમાન સાહાની સાથે સાતમી વિકેટ માટે ૬૪ રનોની પાર્ટનરશિપ કરી હતી. સાહાએ ૧૨૬ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૬૧ રન બનાવ્યા બતા. આ અગાઉ સવારના સત્રમાં કેપ્ટન અજિંક્ય રહાણે અને વાઈસ કેપ્ટન ચેતેશ્વર પુજારાએ ફરી એક વખત નિરાશ કર્યાં હતા. ભારત એક સમયે ૫૧ વિકેટ પર ૫ વિકેટ ગુમાવીને સંકટના સમયમાં હતું. જો કે, ઐય્યરે પ્રથમ અશ્વિનની સાથે અને બાદમાં સાહાની સાથે પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને એક સારા સ્કોર સુધી પહોંચાડી હતી.

ઐય્યર ટી બ્રેક પહેલાં ટીમ સાઉધીના અંતિમ બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો.ચોથા દિવસે ભારતીય બેટ્સમેનને સાઉધીએ પોતાની સ્વિંગથી પરેશાન કર્યાં હતા. આ ઉપરાંત તેના સાથી કાઈલ જેમીસને (૪૦ રન ત્રણ વિકેટ)નો સાથ મળ્યો હતો. જેમીસને પુજારા (૨૨ રન)ને નિશાન બનાવ્યો હતો. જ્યારે રહાણેને એજાજ પટેલ ૧૫ રનો પર આઉટ કર્યો હતો.

મયંક અગ્રવાલ પણ ૧૭ રન બનાવીને સાઉધીનો શિકાર બન્યો હતો. તો આ જ ઓવરમાં સાઉધીએ રવિન્દ્ર જાડેજાને પણ એલબીડબલ્યુ કરીને ભારતને ડબલ ઝટકો આપ્યો હતો. જાડેજા ૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સમયે ભારતનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર ૫૧ રન હતો. પણ બાદમાં ઐય્યર અન સાહાએ ભારતની ઈનિંગ્સને સંભાળી હતી.

(7:27 pm IST)