Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ટી20 વર્લ્ડકપ 2021ની તારીખોની જાહેરાત : 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં યોજાશે મહામુકાબલો

યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપ રમાશે : આઇસીસીએ ઇવેન્ટ પર મંજૂરીની મહોર મારી

મુંબઈ :આઇસીસીની મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાની એક ગણાતી ટી-20 વર્લ્ડકપને લઇને મોટા સમાચાર આવ્યા છે. આઇસીસીએ પુરુષ ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2021ની તારીખોની જાહેરાત કરી છે. પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે.

આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે.

આ પહેલા સત્તાવાર રીતે ટી-20 વર્લ્ડકપ દુબઈમાં ખસેડવામાં આવ્યો હોવાની જાહેરાત ખુદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કરી હતી, તેમણે કહ્યું હતુ કે, અમે આઈસીસીને જાણકારી આપીશું કે ટી-20 ક્રિકેટ વર્લ્ડકપને યુએઈ શિફ્ટ કરી રહ્યા છીએ.

આઇસીસી અનુસાર, ટી20 વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.

તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી-20 વર્લ્ડકપ જીતવા પર છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. આ સ્થિતિમાં ભારત ટી-20 વર્લ્ડકપ જીતવા તમામ તાકાત લગાવી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં મેદાન પર ઉતરશે.

(7:03 pm IST)