Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ટી-૨૦માં સદી ફટકારનાર દિપક હુડા ચોથો ભારતીય : આયર્લેન્‍ડે પણ સારી લડત આપી

હુડ્ડા અને સંજુની રેકોર્ડબ્રેક ભાગીદારીઃ હાર્દિકની કેપ્‍ટનશીપમાં સિરીઝ જીત્‍યું

નવી દિલ્‍હીઃ દીપક હુડાની શાનદાર સદીની મદદથી ભારત અને આયર્લેન્‍ડ વચ્‍ચે રમાયેલી રોમાંચક ટી-૨૦ મેચમાં ટીમ ઇન્‍ડિયાનો ચાર રને વિજય થયો હતો. હાર્દિક પંડયાની આગેવાનીમાં ભારતે સતત બીજી મેચ જીતીને બે મેચની કલીન સ્‍વીપ કર્યુ હતુ. ટીમ ઇન્‍ડિયાએ પ્રથમ બેટિંગ કરીને ૨૨૭ રનનો વિશાળ સ્‍કોર બનાવ્‍યો અને પછી સફળતાનાપૂર્વક તેનો બચાવ કર્યો. ઉમરાન મલિકે છેલ્‍લી ઓવરમાં ૧૭ રન બચાવ્‍યા હતા. ભારત માટે સદી ફટકારનાર દીપક હુડાને પ્‍લયેર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્‍યો હતો.

ભારતના ૨૨૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમને આયર્લેન્‍ડે આકરી ટક્કર આપી હતી. યજમાનોએ ઝડપી અને મજબૂત શરૂઆત કરી. પોલ સ્‍ટલિંગ (૪૦) અને કેપ્‍ટન એન્‍ડી બાલબિર્ની (૬૦) એ પ્રથમ વિકેટ માટે ૩૪ બોલમાં ૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી. રવિ બિશ્નોઇએ સ્‍ટર્લિગને બોલ્‍ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી ગેરેથ ડેલાની ખાતુ ખોલાવ્‍યા વિના રનઆઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, બાલબિર્નીએ હેરી ટેકટર સાથે રન બનાવવાનું ચાલુ રાખ્‍યું અને મહત્‍વપૂર્ણ ભાગીદારી બનાવી. આ દરમિયાન તેણે પોતાની અડધી સદીપણ પૂરી કરી હતી. ઉમરાને તેની પ્રથમ વિકેટ મળી હતી.

બાલબિર્નીના આઉટ થયા બાદ ટેકટરે પણ ઝડપી શોટ રમ્‍યા અને ૨૮ બોલમાં ૩૯ રન બનાવ્‍યા. બીજા છેડે, લોર્કન ટકરને યુઝવેન્‍દ્રના ચહલના હાથે ઉમરાન મલિકે આઉટ કર્યો અને તેની પ્રથમ વિકેટ મેળવી. આયર્લેન્‍ડ ૧૪૨ રન પર ચાર વિકેટ ગુમાવ્‍યા પછી મુશ્‍કેલીમાં દેખાઇ રહ્યું હતુ. પરંતુ પછી જયોર્જ ડોકરેલ ૩૪ અને ટેકટરે જોરશોરથી બેટિંગ કરી અને ૪૭ રનની ભાગીદારી કરી. ભુવનેશ્વરે જો કે, ટેકટરને આઉટ કરી યજમાનોને બીજો મોટો ફટકો આપ્‍યો અને ભારતને રાહત અપાવી પરંતુ માર્ક એડરે ડોકરેલ સાથે મળીને રનની ગતિ વધારી હતી અને છઠ્ઠી વિકેટ માટે અતૂટ ભાગીદારી કરી હતી. બંને ટીમને જીતની નજીક લઇ ગયા હતા પરંતુ ઉમરાને છેલ્‍લી ઓવરમાં ટીમ ઇન્‍ડિયાને જીત અપાવી હતી.

(4:15 pm IST)