Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુરેશ રૈના યુએઈથી અચાનક અંગત કારણથી પાછો આવ્યો

આઈપીએલની આખી સિઝનમાં રૈના નહીં રમે : સુરેશ રૈનાએ ૧૫મી ઓગસ્ટના રોજ મહેન્દ્રસિંહ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી હતી

નવી દિલ્હી,તા.૨૯ : આઈપીએલમાં રમવા માટે યૂએઈ પહોંચેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો બેટ્સમેન સુરેશ રૈના પારિવારિક કારણને લીધે સ્વદેશ પરત આવ્યો છે. સુરેશ રૈના આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. સીએસકેના સીઈઓ વિશ્વનાથને સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે આ સમયે આખી ટીમનું તેમના પરિવારને સમર્થન છે. સીએસકેના સીઈઓએ ટ્વીટર પર લખ્યુ કે, સુરેશ રૈના અંગત કારણથી ભારત પરત ફર્યો છે. તે આખી સિઝન માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ આ સમયમાં સુરેશ રૈના અને તેના પરિવારને પૂરું સમર્થન આપે છે. સીએસકેના સભ્યોને દુબઈ પહોંચ્યા બાદ કોરોના થયો હતો.

             જે બાદ શુક્રવારથી આખી ટીમ ક્વૉરન્ટીન થઈ ગઈ હતી. ટીમનો ક્વૉરન્ટીન સમય એક અઠવાડિયા સુધી વધારી દેવામાં આવ્યો છે. એવા સમાચાર ચાલી રહ્યા છે કે ચેન્નાઇ સુપર કિંગ્સના કુલ ૧૧ સભ્યોને કોરોના થયો છે, જેમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે. નોંધનીય છે કે ચેન્નાઇની ટીમ ગત ૨૧ ઓગસ્ટના રોજ દુબઇ પહોંચી ગઈ છે અને છ દિવસના ક્વૉરન્ટીન પીરિયડમાં હતી. સુરેશ રૈના પણ ટીમ સાથે દુબઈ પહોંચ્યો હતો. બાકી ટીમ હોટલમાં બંધ છે જ્યારે રૈના પરત ફર્યો છે. સુરૈશ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર ૧૫ ઓગસ્ટના દિવસે જાહેરાત કરી હતી કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.

સુરેશ રૈનાએ ભારત માટે ૧૮ ટેસ્ટ અને ૨૨૬ વન-ડે ઉપરાંત કુલ ૭૮ ટી-૨૦ રમી છે. ૨૨૬ વન-ડેમાં રૈનાએ પાંચ સદીની મદદથી ૫૬૧૫ રન બનાવ્યા છે. ટી-૨૦માં તેણે એક સદી સાથે ૧૬૦૫ રન બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં રૈનાનું પ્રદર્શન સારું નથી રહ્યું. ૧૮ ટેસ્ટ મેચમાં રૈનાએ ફક્ત ૭૬૮ રન બનાવ્યા છે.

(7:41 pm IST)