Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ટીમ ઇન્ડિયાના કોચ બનવાની બીસીસીઆઇ અને કુંબલેની પણ ઇચ્છા નથી

હાલ પંજાબની ટીમના કોચ તરીકે સેવા આપી રહેલા અનિલ કુંબલે કંઇ ખાસ ઉકાળી શકયા નથી એટલે બોર્ડ તેને કોચ બનાવવા ઇચ્છુક નથી

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા કોચની શોધ ચાલી રહી છે. બીસીસીઆઇએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજોના નામ નવા કોચ માટે ચાલી રહ્યા છે. પરંતુ હવે તાજા સમાચાર એ છે કે કુંબલે ફરી ટીમ ઇન્ડિયાના કોચ બની શકશે નહીં.

 બીસીસીઆઇના ઘણા અધિકારીઓ આ દિગ્ગજને કોચ પદ આપવા માટે સહમત નથી. કુંબલેએ ૨૦૧૭ માં ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલી  સાથે તેના અણબનાવના અહેવાલો હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કુંબલે અને કોહલી વચ્ચે કોઈ સમજૂતી નહોતી અને ઘણી વસ્તુઓ પર બંને વચ્ચે મતભેદો હતા. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના હાથે હાર બાદ કુંબલેએ પદ છોડ્યું હતું. 

 અનિલ કુંબલે હાલમાં આઇપીએલમાં પંજાબ કિંગ્સના કોચ છે.  તે આ ટીમને  સારી સ્થિતિમાં લાવી ફેરવી શક્યો નથી. છેલ્લી સીઝનમાં પણ પંજાબ પ્લેઓફમાં નહોતું ગયું અને આઇપીએલ ૨૦૨૧ માં પણ એવું જ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે ગાંગુલી ઇચ્છતો હતો કે કુંબલે ૨૦૧૭ માં પણ કોચ રહે. તેણે કોહલીની દલીલોને પડતી મૂકી હતી. ગાંગુલી તે સમયે બીસીસીઆઇની ક્રિકેટ સુધારણા સમિતિના સભ્ય હતા. પરંતુ બાદમાં કોહલી સફળ રહ્યો હતો.

 મીડિયા અહેવાલ મુજબ કુંબલે પણ ટીમ ઈન્ડીયાના કોચ બનવા માટે ઉત્સુક નથી. રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ન તો કુંબલે પાછા આવવા માંગે છે અને ન તો બીસીસીઆઇના અધિકારીઓ એમ ઇચ્છે છે. માત્ર બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી જ કુંબલેના પક્ષમાં હતા. હવે બોર્ડ એક વિદેશી કોચને શોધી રહી છે. 

(3:45 pm IST)