Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આઇપીએલમાં પ્રથમ વખત એક જ સમયે બે મેચ એક સાથે રમાશેઃ ૨૫ ઓકટોબરે બે નવી ટીમોની જાહેરાત થશે

પ્લેઓફ પહેલા હૈદ્રાબાદ વિ. મુંબઇ અને બેંગ્લોર વિ. દિલ્હી વચ્ચે બીજો મેચ સાંજે ૭:૩૦ વાગે રમશે

 દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સંચાલન સમિતિએ મંગળવારે નિર્ણય કર્યો કે લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ એક જ સમયે સાંજે ૭.૩૦ (ભારતીય સમય) થી શરૂ થશે. સામાન્ય રીતે ડબલ હેડરની એક મેચ બપોરે અને બીજી સાંજે રમાય છે. અત્યાર સુધીના નિયમો અનુસાર બપોરની મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૩:૩૦ વાગ્યે શરૂ થાય છે, જ્યારે બીજી મેચ સાંજે ૭.૩૦ થી રમાય છે. બંને ટીમોને ગેરવાજબી ફાયદો ન થાય તે માટે બન્ને મેચ સાંજે એક જ સમયે રમાડવામાં આવશે.

 બીસીસીઆઈના સચિવ જય શાહે  જણાવ્યું હતું કે, આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત,  પ્લેઓફ પહેલાની છેલ્લી બે લીગ મેચ એક જ સમયે રમાશે. સમયપત્રક અનુસાર, છેલ્લા બે મેચમાંથી એકમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો મુંબઇ ઇન્ડિયન્સ સાથે અને બીજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. તેમણે કહ્યું કે, વર્તમાન સિઝનના લીગ તબક્કાના છેલ્લા દિવસે ૮ ઓકટોબરે એક બપોરે મેચ અને એક સાંજે મેચ યોજવાને બદલે, બન્ને મેચ સાંજે ૭.૩૦ વાગ્યાથી એક સાથે રમાશે.

 બે નવી ટીમોની જાહેરાત ૨૫ ઓકટોબરે થશે

 આઈપીએલમાં જોડાયેલી બે નવી ટીમોની જાહેરાત ૨૫ ઓકટોબરે કરવામાં આવશે, ત્યારબાદ ૨૦૨૩ થી ૨૦૨૭ સીઝન માટે મીડિયા અધિકારોનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. કહેવાય છે કે, હાલના અધિકાર ધરાવતી સ્ટાર અને થોડા સમય પહેલા જ મર્જ થયેલ સોની અને ઝી રાઈટ્સ માટે પણ મોટી રકમની બોલી લગાવી શેક છે.

 આઇપીએલ (IPL) ૨૦૨૧ની ફાઇનલ ૧૫ ઓકટોબરે યોજાવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અત્યાર સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં બીજા રાઉન્ડની મેચ રમાઈ રહી છે.

(3:45 pm IST)