ખેલ-જગત
News of Monday, 1st March 2021

શ્રીલંકન ક્રિકેટર સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાયવર

૨૦૧૧માં શ્રીલંકા માટે ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યો હતો : ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા ગયેલો સૂરજ રણદીવે બસ ચલાવવા ઉપરાંત સ્થાનિક ક્લબ માટે નિયમિત ક્રિકેટ પણ રમે છે

મેલબોર્ન, તા. : શ્રીલંકા માટે ક્રિકેટ રમનાર સૂરજ રણદીવે પોતાનો પ્રોફેશન બદલી લીધો છે. હવે તે ક્રિકેટરથી બસ ડ્રાઈવર બની ગયો છે. તેણે પોતાના નવા પ્રોફેશનની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં કરી છે. તે મેલબોર્ન સ્થિત એક ફ્રેન્ચ બેઝ્ડ કંપની ટ્રાન્સડેવમાં ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે. શ્રીલંકાનો પૂર્વ સ્પિનર રણદીવ વર્ષ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો, જ્યાં તે હવે બસ ચલાવવા ઉપરાંત એક સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમે છે.

સૂરજ રણદીવે શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તે વર્ષ ૨૦૧૧માં ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં પણ શ્રીલંકન ટીમનો ભાગ રહ્યો હતો. શ્રીલંકા માટે ૧૨ ટેસ્ટમાં તેણે ૪૬ વિકેટ લીધી છે. ૩૧ વનડેમાં ૩૬ અને ટી-૨૦ મેચોમાં તેણે વિકેટ ઝડપી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રણદીવે બેસ્ટ સ્કોર ૫૬નો રહ્યો છે. તેણે પોતાની છેલ્લી ડોમેસ્ટિક મેચ એપ્રિલ ૨૦૧૯માં રમી હતી.

૩૬ વર્ષના સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર ઉપરાંત સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી ત્યારે તેમણે એમસીજી પર ઓસ્ટ્રેલિયન ટીમને પોતાની સ્પિન બોલિંગથી અભ્યાસ કરાવ્યો હતો.

હાલમાં રણદીવ ઓસ્ટ્રેલિયામાં ડાંડેનોગ ક્રિકેટ ક્લબ માટે રમે છે. ક્લબ વિક્ટોરિયા પ્રીમીયર ક્રિકેટથી માન્યતા પ્રાપ્ત છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના રાજ્ય સ્તરની ટૂર્નામેન્ટમાં રમે છે. ક્લબ માટે રણદીવ ઉપરાંત જેમ્સ પેટિન્સન, પીટર સિડલ જેવા ક્રિકેટરો પણ રમે છે.

સૂરજ રણદીવે ભારતીય ટીમના ઓપનર વિરેન્દ્ર સેહવાને સદી બનાવવાથી રોક્યો હતો. સૂરજ રણદીવે ૨૦૧૦માં દામ્બુલામાં ૯૯ રનો પર નો બોલ ફેંકીને વિરેન્દ્ર સેહવાગને સદી બનાવવાથી રોકી દીધો હતો. નો બોલની સાથે ભારતીય ટીમ જીતી ગઈ અને વિરેન્દ્ર સેહવાગનો છગ્ગો ગણાયો નહોતો. ત્યારે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ સૂરજ રણદીવને એક મેચ માટે પ્રતિબંધિત કરી દીધો હતો, જ્યારે તિલકરત્ને દિલશાનને દંડ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતો શ્રીલંકાનો સ્પિનર ભારતની ટી-૨૦ લીગમાં પણ રમી ચૂક્યો છે. તે લીગમાં ધોનીની આગેવાનીમાં સીએસકેનો ભાગ હતા અને ૨૦૧૨માં ક્લબને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૨ની સીઝનમાં સીએસકે માટે રમતા રણદીવે મેચોમાં વિકેટ લીધી હતી.

(8:02 pm IST)