ખેલ-જગત
News of Tuesday, 3rd August 2021

ઓલિમ્પિકમાં ખેલાડીઓની ખેલદિલીઃ મેડલ શેર કર્યો

નવી દિલ્હીઃ ટોક્યો ઓલંપિકમાં ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ છે. જેને યુગો સુધી યાદ રાખવામાં આવશે. એક ગોલ્ડ મેડલ માટે એથ્લિટ વર્ષોની આકરી મહેનત લગાવી દેતા હોય છે. જેને જીતવા માટે ખેલાડીઓ પોતાના વિરોધીઓને પછાડવા માટે ગમે તે હદ સુધી જઈને પરસેવો પાડે છે.આ જ ગોલ્ડ મેડલને બે ખેલાડીઓને એકબીજામાં વહેંચી લીધો હતો. કતરના મુતાજ એલા બરશીમ અને ઈટલીના જિઆનમાર્કો ટેમ્બરીએ ખેલદીલીની જે મિશાલ આખી દુનિયા સામે રજૂ કરી છે, તેને આખી દુનિયા આજે સલામ કરે છે.

 હાઈ જમ્પ ફાઈનલમાં ૩૦ વર્ષિય બરશિમ અને ૨૯ વર્ષિય ટેમ્બરીએ ૨.૩૭ મીટર જંપની સાથે આ રમત પુરી કરી હતી. બંનેએ ૨.૩૯ મીટર જમ્પ મારવાની કોશિશ કરી પણ બંને નિષ્ફળ રહ્યા.આ ઊંચાઈ પર બરશીમ અન ટેમ્બરી બંનેએ ત્રણ-ત્રણ કોશિશ કરી અને ત્રણેયમાં ફેલ રહ્યા. તેના પર ઓલિમ્પિક ઓફિશિયલે બંનેને જંપ ઓફ વિશે જણાવ્યુ અને કહ્યુ કે, તેમાં જે જીતશે તે ગોલ્ડ મેડલ લઈ જશે. પણ આ દરમિયાન બરશીમે પૂછ્યુ કે શું બંનેને ગોલ્ડ મેડલ મળી શકે.

જેના પર અધિકારીઓ હામાં માથુ ઘુણાવ્યું. આવુ કરવાની જાહેરાત થાય તે પહેલા બંને ખેલાડી એકબીજાને ગળે મળ્યા અને નક્કી કરી લીધુ કે, મેડલ શેર કરવામાં આવશે.  

(3:04 pm IST)