મુંબઈ ઈન્ડિયન્સને ફટકો: મેચ વિનર લસિથ મલિંગા ખસી જતાં ઓસ્ટ્રેલિયાના જેમ્સ પેટિન્સનનો સમાવેશ
ટીમના માલિક આકાશ અંબાણીએ પેટિંસનનું સ્વાગત કર્યું અને મલિંગાને સમર્થન જાહેર કર્યું
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી ખસી જવાની ફાસ્ટ બોલર પેસર લસિથ મલિંગાએ જાહેરાત કરી છે. મલિંગાએ વ્યક્તિગત કારણોને લીધે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે મલિંગાની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિંસનને સામેલ કરવાની જાહેરાત કરી છે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગા નહીં રમે તેની જાહેરાત કરતાં મુંબઈ ઈન્ડિયન્સે કહ્યું કે, મલિંગા અંગત કારણોસર આગામી સિઝનમાં ઉપલબ્ધ નહીં રહે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જાહેર કરેલાં નિવેદન અનુસાર લસિથ મલિંગાએ અંગત કારણોથી આ સત્રમાં અલગ થવાનો આગ્રહ કર્યો હતો અને તે શ્રીલંકામાં પોતાના પરિવાર સાથે રહેવા માગે છે. મલિંગા મુંબઈની ટીમ માટે ખૂબ જ મહત્વનો બોલર છે અને તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટીમના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ટીમના માલિક આકાશ અંબાણીએ પેટિંસનનું સ્વાગત કર્યું અને મલિંગાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.