ખેલ-જગત
News of Tuesday, 7th February 2023

ઓસી. સામે ટેસ્ટ શ્રેણીમાં પૂજારાને કલાર્ક-દ્રવિડનો રેકોર્ડ તોડવાની તક

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૯ ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટઃબન્ને દેશોની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રનના બેટર્સની યાદીમાં પૂજારાને ટોપ પાંચમાં પ્રવેશવાની તક

નવી દિલ્હી, તા.૭ ઃભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૯ ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો પ્રારંભ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનો રોમાંચ હંમેશા અલગ રહ્યો છે. તેમાં પણ ભારતીય ધરતી પર રમાવા જઈ રહેલી આ સિરીઝ વધારે રોમાંચક બનશે તેમાં કોઈ શંકા નથી. દેખીતી રીતે જ રોહિત શર્માની ટીમ આ સિરીઝમાં હોટ ફેવરિટ છે. વર્તમાન ટીમના ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા બે એવા બેટર છે જેમનો ઓસ્ટ્રેલિયા સામેનો રેકોર્ડ ધમાકેદાર રહ્યો છે. તેમાં પણ પૂજારાનો રેકોર્ડ વધારે શાનદાર રહ્યો છે. વર્તમાન ટીમમાં પૂજારા ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન નોંધાવનારો ભારતીય ખેલાડી છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં પૂજારા પાસે માઈકલ ક્લાર્ક અને રાહુલ દ્રવિડના રેકોર્ડને તોડવાની તક રહેલી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી જે સિરીઝ રમાઈ હતી તેમાં પૂજારાએ ૪૦૫ રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્રનો સ્ટાર બેટર ચેતેશ્વર પૂજારા અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે ૨૦ ટેસ્ટ રમ્યો છે. જેમાં તેણે ૫૪.૦૯ની સરેરાશથી ૧૮૯૩ રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે પાંચ સદી અને ૧૦ અડધી સદી ફટકારી છે. તેથી આ સિરીઝમાં પણ તેની પાસેથી દમદાર પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટીએ પણ મહત્વની છે. તેથી ભારત પોતાની જ ધરતી પર રમાઈ રહેલી સિરીઝ જીતવા માટે આતુર છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે. સચિને ૩૯ મેચમાં ૫૫ની એવરેજથી સાથે ૩૬૩૦ રન નોંધાવ્યા છે. જેમાં ૧૧ સદી અને ૧૬ અડધી સદી સામેલ છે. આ યાદીમાં પૂજારા છઠ્ઠા ક્રમે છે. જોકે, પૂજારા આ સિરીઝમાં ટોપ-૫માં સામેલ થઈ શકે છે. રિકી પોન્ટિંગ ૨૯ મેચમાં ૨૫૫૫ રન સાથે બીજા ક્રમે છે. જ્યારે વીવીએસ લક્ષ્મણે ૨૪૩૪, રાહુલ દ્રવિડે ૨૧૪૩ અને માઈકલ ક્લાર્કે ૨૦૪૯ રન નોંધાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે પૂજારાએ ઓસ્ટ્રેલિયન ધરતી પર પણ લાજવાબ બેટિંગ કરી છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી તેણે ૯ મેચ રમી છે. જેમાં તેણે ૬૪.૨૯ની સરેરાશ સાથે ૯૦૦ રન ફટકાર્યા છે. આ વખતે સિરીઝ ભારતીય ધરતી પર છે તેથી તે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે. જોકે, પૂજારાએ ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનથી સંભાળવું પડશે. નાથન લાયન તેના માટે મોટો ખતરો બની શકે છે. નાથન લાયને ટેસ્ટમાં પૂજારાને ૧૦ વખત આઉટ કર્યો છે.

 

 

 

 

 

(7:14 pm IST)