ડેનિયલ સેમ્સને કોરોનાનું સંક્રમણ લાગતા કોહલી ચિંતિત
આઈપીએલ પર કોરોનાનું ભારે ગ્રહણ : IPLમાં ડેનિયલ ચોથો ક્રિકેટર છે જેનો રિપોર્ટ પોઝિટિવ, બાયોબબલમાં રહેવાની સુચના છતાં ક્રિકેટર્સ ઝપેટમાં
મુંબઈ, તા. ૭ : આઈપીએલનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુકયુ છે ત્યારે પહેલી જ મેચ બેંગ્લોરની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૯ એપ્રિલે રમવાની છે. એ પહેલા વિરાટ કોહલીની ચિંતામાં કોરોનાએ વધારો કર્યો છે.
કારણકે આરસીબીનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થયો છે. આ પહેલા આરસીબી ઓપનર દેવદત્ત પડીક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે ડેનિયલ સેમ્સ નામના ખેલાડીને પણ કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે. આઈપીએલમાં ડેનિયલ ચોથો ક્રિકેટર છે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા નિતિશ રાણા, અક્ષર પટેલ અને દેવદત્ત પડીકકલ કોરોનાના સપાટામાં આવી ચુકયા છે. આઈપીએલ રમનારા ક્રિકેટરો સુધી કોરોના ના પહોંચે તે માટે ટીમોને બાયોબબલમાં રહેવાની સૂચના અપાઈ હતી. ક્રિકેટરો આ સૂચનાનુ પાલન કરી રહ્યા હોવા છતા તેમના સુધી કોરોના પહોંચી ગયો છે.
ડેનિયલ સેમ્સને હાલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.જ્યાં ડોક્ટરો તેની તબિયત પર નજર રાખી રહ્યા છે. જ્યારે દેશમાં કોરોના સંક્રમણે આતંક મચાવ્યો છે ત્યારે ક્રિકેટર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આઈપીએલને શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ક્રિકેટર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે જેના કારણે લોકોની ચિંતા અને વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે.